News of Tuesday, 14th May 2024
ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ : BCCIનો વિડીયો પોસ્ટ
નવી જર્સીમાં જાહેરાતનો લોગો અન્ય જગ્યાએ મુકવામાં આવશે

નવી દિલ્હી : ટી-૨૦ વર્લ્ડ કપ ૨ જૂનથી શરૂ થઈ રહ્યો છે અને તે પહેલા ટીમ ઈન્ડિયાએ પોતાની નવી જર્સી લોન્ચ કરી છે. જો કે ટીમ ઈન્ડિયા ટી-૨૦ વર્લ્ડ કપમાં તેની નવી જર્સીનો ઉપયોગ કરી શકશે નહીં, જેના પાછળ એક મોટું કારણ જવાબદાર છે અને આ કારણ આઇસીસીના નિયમ સાથે સંબંધિત છે. બીસીસીઆઇએ એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં કેપ્ટન રોહિત શર્મા નવી જર્સી સાથે ફોટોશૂટ કરાવી રહ્યો છે. બીસીસીઆઇ સેક્રેટરી જય શાહ રોહિતની સાથે હતા.
ટીમ ઈન્ડિયાની જર્સીમાં બે મોટા ફેરફાર થશે. ટીમ ઈન્ડિયાની જર્સીનું સ્પોન્સર ડ્રીમ ઈલેવન છે અને તેનું નામ આની વચ્ચે લખેલું છે. તેને ટી-૨૦ વર્લ્ડ કપ માટે જર્સીની વચ્ચેથી હટાવી દેવામાં આવશે. આ ઉપરાંત જર્સીમાં એડિડાસ કંપનીનો લોગો પણ છે, તેને પણ ત્યાંથી ખસેડવામાં આવશે. હવે અમે તમને જણાવીએ કે આવું કેમ થશે? વાસ્તવમાં, આઇસીસી ટૂર્નામેન્ટમાં, જર્સીના આગળના ભાગમાં ફક્ત દેશનું નામ લખવાનું હોય છે. આ સિવાય આઇસીસીનો લોગો પણ હોય છે. એટલા માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સીમાં ડ્રીમ ઈલેવનનું નામ અને એડિડાસનો લોગો બીજે કયાંક છપાશે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
