<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

મહત્‍વપૂર્ણ મેચોના સમયે જ વિદેશી ખેલાડીઓની ઘરવાપસી

વિલ જેકસ, રીસ ટોપલી, જોસ બટલર, ફિલ સોલ્‍ટ, મોઇન અલી, સેમ કરન, લિયામ લિવિંગ્‍સ્‍ટન પરત

નવી દિલ્‍હી તા. ૧૪: રોયલ ચેલેન્‍જર્સ બેંગલુરુએ તેમની સતત પાંચમી જીત સાથે છેલ્લી મેચ સુધી આઇપીએલ પ્‍લેઓફની રેસમાં તેમની આશા જીવંત રાખી છે. હવે બેંગલુરુને તેની છેલ્લી મેચમાં ચેન્‍નાઈ સુપર કિંગ્‍સનો સામનો કરવો પડશે. આ મેચ ૧૮ મેના રોજ રમાશે અને  જીતે ટીમ પ્‍લેઓફમાં પહોંચી શકે છે. આ મેચ પહેલા જ બેંગલુરુ માટે ખરાબ સમાચાર આવ્‍યા છે કારણ કે સતત ૫ જીતમાં મહત્‍વની ભૂમિકા ભજવનાર સ્‍ટાર ખેલાડી અચાનક ટૂર્નામેન્‍ટમાંથી બહાર થઈ ગયો છે.

ટીમનો સ્‍ટાર ખેલાડી વિલ જેક્‍સ ટૂર્નામેન્‍ટ અધવચ્‍ચે છોડીને પોતાના દેશ ઈંગ્‍લેન્‍ડ પરત ફર્યો છે. માત્ર જેક્‍સ જ નહીં પરંતુ તેનો લેફ્‌ટ આર્મ ફાસ્‍ટ બોલર રીસ ટોપલી પણ છેલ્લી લીગ મેચ પહેલા ઈંગ્‍લેન્‍ડ પરત ફર્યો હતો.

વાસ્‍તવમાં, ટી૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૪ ૨ જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે અને તેના થોડા સમય પહેલા, ઈંગ્‍લેન્‍ડ ક્રિકેટ બોર્ડે આઇપીએલમાં રમી રહેલા તેના ખેલાડીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો હતો, જેઓ વર્લ્‍ડ કપ ટીમનો ભાગ છે. આ ટીમ વર્લ્‍ડ કપ પહેલા પાકિસ્‍તાન સામે ટીર૦ સિરીઝ રમવાની છે. જેના કારણે વિલ જેક્‍સ અને રીસ ટોપલીને આઇપીએલમાંથી અધવચ્‍ચેથી જ પરત ફરવું પડ્‍યું હતું

માત્ર બેંગલુરુ જ નહીં પરંતુ અન્‍ય ટીમોને પણ મોટો આંચકો લાગ્‍યો છે. સતત ૩ મેચ હાર્યા બાદ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલી રાજસ્‍થાન રોયલ્‍સે પોતાના સ્‍ટાર ઓપનર જોસ બટલરને મહત્‍વની ક્ષણે ગુમાવ્‍યો છે. ચેન્નાઈ સામે ટીમની હાર બાદ ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન ઈંગ્‍લેન્‍ડનો કેપ્‍ટન બટલર પણ દેશ પરત ફર્યો હતો. બટલરે આ સિઝનમાં સતત ૨ સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ સિવાય વિસ્‍ફોટક ઓપનર ફિલ સોલ્‍ટ કે જેણે કોલકાતા નાઈટ રાઈડર્સની સફળતામાં મોટી ભૂમિકા ભજવી હતી તે પણ ગુજરાત ટાઈટન્‍સ સામેની મેચ બાદ પરત ફરશે જ્‍યારે મોઈન અલી (ચેન્નઈ સુપર કિંગ્‍સ), સેમ કરન અને લિયામ લિવિંગ્‍સ્‍ટન (પંજાબ કિંગ્‍સ) પણ સિઝનના અંત પછી પરત ફરશે.

(3:39 PM IST)