<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

કોલકાતા, રાજસ્થાન બાદ હૈદરાબાદ પણ પ્લેઓફમાં પહોંચી : હવે કાલે RCB અને CSK વચ્ચે એક સ્થાન માટે મુકાબલો

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં જો ચેન્નાઈની ટીમ વિજેતા થશે તો તેઓ પ્લેઓફમાં સ્થાન મેળવશે.

આઈપીએલ 2024ની સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની 66મી મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ. હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો. ત્યારે મેચ રદ થયા બાદ બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો છે. જેને લઈને પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદને ફાયદો થયો છે. આ સાથે જ ઓરેન્જ આર્મી ચાર વર્ષ પછી પ્લેઓફમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે.

આઈપીએલ 2024ના પ્લેઓફ માટે હવે ત્રણ ટીમો ક્વોલિફાય થઈ ગઈ છે. આઈપીએલ 2024ના પોઈન્ટ્સ ટેબલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ બાદ હવે સનરાઈઝર્સ હૈદરાબાદના નામની સાથે 'Q' લાગી ગયો છે. ત્યારે હવે એક સ્થાન માટે આવતીકાલે બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મહામુકાબલો થશે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં જો ચેન્નાઈની ટીમ વિજેતા થશે તો તેઓ પ્લેઓફમાં સ્થાન મેળવશે. જ્યારે આરસીબીની ટીમે જીત સાથે રનરેટ પર પણ નજર રાખવી પડશે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે આરસીબીની ટીમે પ્રથમ બેટિંગ કરવાના કિસ્સામાં (જો 200 રનનો ટાર્ગેટ હોય તો) સીએસકેને ઓછામાં ઓછા 18 રનના માર્જિનથી હરાવવું પડશે. આરસીબીની ટીમે બીજી બેટિંગ કરવાના કિસ્સામાં (જો 201 રનનો ટાર્ગેટ હોય તો) 18.1 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરવો પડશે. તો જ તેઓ સીએસકેના રનરેટથી આગળ જઈ શકશે.

(2:01 PM IST)