News of Monday, 20th May 2024
કાલે કોલકતા કે હૈદરાબાદ જે જીતશે એ ફાઇનલમાં પહોંચશે
હવે કવોલિફાયર મુકાબલા તા. ર૧ કોલકતા વિ. હૈદરાબાદ, તા. રર રાજસ્થાન વિ. બેંગ્લુરૃઃ હારનારી ટીમો વચ્ચે ર૪ મીએ જંગ અને ર૬ મીએ ફાઇનલ

નવી દિલ્હી, તા. ર૦ : કોલકાતા નાઈટ રાઈડર્સે સૌથી વધુ ૨૦ પોઈન્ટની સાથે પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે છેલ્લી મેચમાં જીત મેળવી રાજસ્થાન રોયલ્સ પાસેથી બીજું સ્થાન લઈ લીધું છે. રાજસ્થાન ત્રીજા અને આરસીબી ચોથા સ્થાન પર છે. આઈપીએલ ૨૦૨૪ની ૭૦મી મેચ વરસાદના કારણે ધોવાઇ જતા પ્લેઓફની ૪ ટીમોમાં કોની ટકકર કોની સાથે થશે તે નક્કી થઈ ગયું છે. રવિવાર ૧૯ મેના રોજ સીઝનની છેલ્લી ડબલ હેડરમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે બીજા સ્થાન માટે મેચ હતી.જેમાં પેટ કમિન્સની ટીમે બાજી મારી અને બીજા સ્થાન પર કબ્જો કર્યો હતો. તો રાજસ્થાનની ટીમ ત્રીજા સ્થાને પહોંચી છે. આ સાથે નક્કી થઈ ગયું કે, કવોલિફાયર અને એલિમિનેટરમાં કઈ ટીમ કોની સાથે ટકકરાશે. સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને ૪ વિકેટથી હાર આપતા. આ જીત સાથે હૈદરાબાદ રાજસ્થાનથી આગળ નીકળી ગયું હતુ. હવે પોઈન્ટ ટેબલની ફાઈનલ રેકિંગ સામે આવી ચુકી છે જેના આધાર પર પહેલી કવોલિફાયર અને એલિમિનેટરનું શેડ્યુલ નક્કી થઈ ગયું છે.
પહેલી કવોલિફાયર મેચ કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે ૨૧ મે મંગળવારના રોજ રમાશે. તો ત્રીજા અને ચોથા સ્થાન પર રાજસ્થાન અને બેગ્લુરું વચ્ચે ૨૨ મેચના રોજ મેચ રમાશે. આ બંન્ને મેચનું વેન્યુ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે.હવે વાત કરીએ આગળ શું થશે તો પહેલા અને બીજા સ્થાન પર રહેવાનો ફાયદો એ છે કે, ફાઈનલમાં જવાની તક ૨ વખત મળે છે. નિયમ મુજબ પહેલા કવોલિફાયર જીતનારી ટીમ સીધી ફાઈનલમાં પહોંચી જાય છે. એટલે કે, કોલકાતા અને હૈદરાબાદમાંથી જે ટીમ જીતશે તે સીધી ફાઈનલમાં પહોંચશે.તેમજ હારનારી ટીમ બીજી કવોલિફાયર મેચ રમવા ઉતરશે. તેનો સામનો એલિમિનેટર વિજેતા સામે થશે એટલે કે,રાજસ્થાન અને આરસીબીમાં જે હારશે તે બહાર થશે અને જીતનારી ટીમ બીજા કવોલિફાયરમાં પહોંચશે.અહીં તેનો સામનો તે ટીમ સાથે થશે જે પ્રથમ કવોલિફાયર હારી ગઈ હતી. આ મેચ ૨૪ મે શુક્રવારના રોજ ચેપોક સ્ટેડિયમ ચેન્નાઈમાં રમાશે. અહીં વિજેતા ટીમ ફાઇનલમાં પહોંચશે. ફાઈનલ મેચ ૨૬મી મેના રોજ ચેપોકમાં જ રમાશે.
હવે જોવાનું એ રહે છે કે કોલકાતા ૧૦ વર્ષ બાદ ત્રીજી વખત ચેમ્પિયન બને છે કે કેમ? કે પછી સનરાઇઝર્સ પોતાનું બીજું ટાઇટલ જીતવામાં સફળ થશે? શું પ્રથમ આઈપીએલ ચેમ્પિયન રાજસ્થાન ૨૦૦૮થી ચાલી રહેલા દુષ્કાળને ખતમ કરી શકશે? કે પછી સતત ૬ હાર બાદ ૬ જીત મેળવનારી ટીમ પ્લેઓફમાં પહોંચનાર બેંગલુરુ ૧૭ વર્ષની રાહ જોયા બાદ પ્રથમ વખત ચેમ્પિયન બની શકશે?.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
