News of Saturday, 25th May 2024
હૈદરાબાદ છ વર્ષ બાદ ફાઇનલમાં, કાલે કોલકતા સામે ટાઇટલ જંગ
ગઇકાલે રાત્રે ચેન્નાઇમાં ઝાકળ ન પડી એટલે હૈદરાબાદના સ્પિનરો ફાવી ગયા, બે સ્પિનરોએ પ વિકેટ ઝડપી

નવી દિલ્હી : આઇપીએલનો આવતીકાલે હૈદરાબાદ અને કોલકતા વચ્ચે ફાઇનલમાં મુકાબલો જામશે. આ બન્ને ટીમોએ આ વર્ષે શાનદાર દેખાવ કર્યો છે. ચેમ્પિયન બનવા બન્ને ટીમો હોટ ફેવરીટ છે.
બીજા ક્વોલિફાયરમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને ૩૬ રનથી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. હવે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ૨૬મી મેના રોજ ટ્રોફીની અંતિમ જંગ એટલે કે ફાઈનલ મુકાબલો રમાશે.
ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી નોક આઉટ મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૧૭૫ રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ આ લક્ષ્યાંક હાંસલ કરી શકી નહોતી. આ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદે ત્રીજી વખત આઇપીએલ ફાઈનલમાં જગ્યા બનાવી છે.
સનરાઈઝર્સ હૈદરાબાદની જીતનો હીરો હતો હેનરિક ક્લાસેન, અભિષેક શર્મા અને શાહબાઝ અહેમદ. ચેન્નાઈની મુશ્કેલ પરિસ્થિતિમાં હેનરિક ક્લાસને ૩૪ બોલમાં ૫૦ રનની ઈનિંગ રમી હતી. તેના બેટમાંથી ૪ છગ્ગા આવ્યા હતા. બોલિંગમાં શાહબાઝ અહેમદે ૪ ઓવરમાં ૨૩ રન આપીને ૩ વિકેટ લીધી હતી. બેટથી તબાહી મચાવનાર અભિષેક શર્માએ ૪ ઓવરમાં ૨૪ રન આપીને ૨ મહત્વની વિકેટ લીધી હતી.
બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સની બેટિંગ નિષ્ફળ રહી હતી. યશસ્વી જયસ્વાલે ૨૧ બોલમાં ૪૨ રન અને ધ્રુવ જુરેલે અડધી સદી ફટકારી હતી. આ બંને સિવાય કોઈ બેટ્સમેન કંઈ કરી શકયો નહોતો. સંજુ સેમસન માત્ર ૧૦ રન બનાવી શકયો હતો. રિયાન પરાગ ૬ રન બનાવી શકયો હતો. હેટમાયર માત્ર ૪ રન અને પોવેલ માત્ર ૬ રનનું યોગદાન આપી શકયો હતો. રાજસ્થાનની ટીમ ૨૦ ઓવરમાં માત્ર ૧૩૯ રન જ બનાવી શકી હતી.
રાજસ્થાનની હારનું મુખ્ય કારણ ચેન્નાઈનું હવામાન હતું. વાસ્તવમાં, ચેન્નાઈમાં રાત્રે ઝાકળ પડે છે પરંતુ ગઇકાલની રાત્રે આવું ન થયું. ઝાકળના અભાવને કારણે ચેન્નાઈની પીચ ધીમી બની ગઈ હતી અને બેટ્સમેનો માટે સ્પિનરો સામે રન બનાવવા મુશ્કેલ બની ગયા હતા. હૈદરાબાદના બે લેફ્ટ આર્મ સ્પિનર શાહબાઝ અહેમદ અને અભિષેક શર્માએ મળીને ૫ વિકેટ લીધી હતી. શાહબાઝનો ઈકોનોમી રેટ ૫.૬ હતો, જ્યારે અભિષેકે ૬ રન પ્રતિ ઓવર આપ્યા હતા. સંજુ સેમસને આને હારનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. સેમસને સ્વીકાર્યું કે મધ્ય ઓવરોમાં સ્પિનરો સામે તેની પાસે કોઈ જવાબ નહોતો.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
