News of Sunday, 16th June 2024
સ્કોટલેન્ડ પર ઓસ્ટ્રેલિયાની જીત સાથે ઇંગ્લેન્ડે પણ સુપર-8માં પોતાનું સ્થાન કર્યુ નિશ્ચિત
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે ગ્રુપ-બીમાંથી સુપર-8માં પોતાની જગ્યા બનાવી છે.

નવી દિલ્હીઃ સ્કોટલેન્ડ પર ઓસ્ટ્રેલિયાની જીત સાથે ઇંગ્લેન્ડે પણ સુપર-8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. સ્કોટિશ ટીમે પ્રથમ બેટિંગ કરતા ઘણા રન બનાવ્યા હતા. માત્ર ત્રણ રનમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ સ્કોટિશ ટીમે બીજી વિકેટ માટે શાનદાર રન બનાવ્યા હતા.
સ્કોટલેન્ડની ટીમ રવિવારે ટી20 વર્લ્ડકપ 2024માં મોટો અપસેટ સર્જતા ચૂકી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને હરાવવાની ખૂબ નજીક આવ્યા બાદ તેમને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડની ટીમને મોટી રાહત મળી છે. તેણે સુપર-8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે ગ્રુપ-બીમાંથી સુપર-8માં પોતાની જગ્યા બનાવી છે. પ્રથમ બેટિંગ કરતા સ્કોટિશ ટીમે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ લક્ષ્યનો પીછો કરતી વખતે પાંચ વિકેટ ગુમાવીને બે બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.
કાંગારૂ ટીમની જીતનો હીરો માર્કસ સ્ટોઇનિસ રહ્યો હતો જેણે 29 બોલમાં 59 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડે પણ 49 બોલમાં 68 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. લક્ષ્યનો પીછો કરતી વખતે એક સમયે ઓસ્ટ્રેલિયન ટીમ ઘણી મુશ્કેલીમાં જોવા મળી રહી હતી. ટીમે માત્ર 60 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી આગળ, સ્ટોઇનિસ અને હેડે રન બનાવવાની જવાબદારી લીધી. બંનેએ ચોથી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી અને મેચને ખૂબ નજીક લાવી દીધી.
સ્કોટિશ ટીમે પ્રથમ બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયા સામે મજબૂત ટાર્ગેટ સેટ કર્યો હતો. માત્ર ત્રણ રનમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ સ્કોટિશ ટીમે બીજી વિકેટ પહેલા શાનદાર પાર્ટનરશીપ કરી હતી. જ્યોર્જ મુન્સે અને બ્રાન્ડોન મેકમુલેન વચ્ચે બીજી વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી હતી. પ્રથમ 10 ઓવર પછી સ્કોટલેન્ડનો સ્કોર 100 રનની નજીક હતો. મુન્સીએ 23 બોલમાં 53 રન બનાવ્યા હતા જ્યારે મેકમુલેને 34 બોલમાં 60 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી છ છગ્ગા અને બે ચોગ્ગા પણ આવ્યા હતા. કેપ્ટન રિચી બેરિંગટને 31 બોલમાં 42 રન બનાવ્યા હતા. જેની મદદથી સ્કોટલેન્ડની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 180/5 રન બનાવ્યા હતા.
આમ સ્કોટલેન્ડની ઓસ્ટ્રેલિયા સામે હાર થતાં તેનો સીધો ફાયદો ઈંગ્લેન્ડને થઈ ગયો છે, ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ લીગ રાઉન્ડમાં 5-5 પોઈન્ટ સાથે બીજા અને ત્રીજા નંબરે હતા અને આજની મેચ બાદ પણ સ્થિતિ તે પ્રમાણેની જ રહી છે. જો સ્કોટલેન્ડ ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ થયું હોત તો વધુ એક મોટો અપસેટ સર્જાયો હોત. કારણ કે આ પહેલા ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા સુપર-8ની રેસમાંથી બહાર થઈ ગયા હતા.
ભારતે હવે સુપર-8માં પોતાની પહેલી મેચ 20મી જૂને અફઘાનિસ્તાન સામે રમવાની છે, આ પછી બીજી મેચ ઓસ્ટ્રેલિયા સામમે 24મી જૂને રમવાની છે. મહત્વનું છે કે સુપર-8માં ટોપની બે ટીમો સેમિફાઈનલમાં એન્ટ્રી કરશે. આવામાં ભારત પાસે સુપર-8 માટે સ્ટ્રેટેજી બનાવવાનો અને ટીમની ભૂલો સુધારવા માટે પુરતો સમય છે. ખાસ કરીને ભારતની ઓપનિંગ જોડીએ નિરાશ કર્યા છે. હવે સુપર-8માં કોહલી અને રોહિતનું બેટ ચાલે તે જરુરી છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
