<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

બાવન વર્ષ બાદ ઓલિમ્‍પિકમાં બ્રોન્‍ઝ મેડલ જીતી ભારતીય હોકી ટીમ

ગોલકિપર શ્રીજેશે આખી ટૂર્નામેન્‍ટમાં મહત્‍વપૂર્ણ સમયમાં ગોલ બચાવી ટીમની જીતમાં મહત્‍વનો ફાળો આપ્‍યો : સ્‍પેનને ર-૧ થી પછાડયું : કેપ્‍ટન હરમનપ્રીતસિંહે સૌથી વધુ ૧૦ ગોલ કર્યા : કેપ્‍ટન હરમનપ્રીતે ગોલકીપર શ્રીજેશને ખભ્‍ભા ઉપર ઉપાડી આપી યાદગાર વિદાય દરેક ભારતીયનું હૉકી સાથે ભાવનાત્‍મક જોડાણ છે અને આ સિદ્ધિ આપણા દેશના યુવાનોમાં રમતને વધુ લોકપ્રિય બનાવશે. આ એવી સિદ્ધિ છે જેને આવનારી પેઢીઓ યાદ રાખશે : વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી

નવી દિલ્‍હી, તા. ૯ : પૅરિસ ઑલિમ્‍પિક્‍સમાં હૉકીમાં સ્‍પેનની ટીમને ૨-૧ના સ્‍કોરથી હરાવીને ભારતીય ટીમ સતત બીજો બ્રૉન્‍ઝ મેડલ જીતી હતી. ભારત તરફથી કૅપ્‍ટન હરમનપ્રીત સિંહે ૩૦મી અને ૩૩મી મિનિટે ગોલ કર્યા હતા. સ્‍પેનની ટીમે ૧૮મી મિનિટે ગોલ કર્યો હતો. ભારત માટે ૩૩૬ મૅચ રમનાર પી.આર. શ્રીજેશે આ સાથે જ ઇન્‍ટરનૅશનલ હૉકીમાંથી નિવળત્તિ લીધી હતી.

ભારતીય હૉકી ટીમ બાવન વર્ષ બાદ પહેલી વાર હૉકીમાં બૅક-ટુ-બૅક બે ઑલિમ્‍પિક બ્રૉન્‍ઝ મેડલ જીતી હતી. આ પહેલાં ૧૯૬૮ અને ૧૯૭૨માં ભારતે સતત બે બ્રૉન્‍ઝ મેડલ જીત્‍યા હતા. ૮ ગોલ્‍ડ, ૧ સિલ્‍વર અને ૪ બ્રૉન્‍ઝ મેડલ સાથે ભારતીય ટીમ ૧૩ ઑલિમ્‍પિક્‍સ મેડલ જીતીને ઑલિમ્‍પિક્‍સની સૌથી સફળ હૉકી ટીમ બની હતી. ૧૨ મેડલ સાથે જર્મનીની ટીમ આ લિસ્‍ટમાં બીજા સ્‍થાને છે. ભારતીય કૅપ્‍ટન હરમનપ્રીત સિંહે ભારતીય ટીમ માટે સૌથી વધારે ૧૦ ગોલ નોંધાવ્‍યા હતા. પી.આર. શ્રીજેશે આખી ટુર્નામેન્‍ટમાં મહત્ત્વપૂર્ણ સમયમાં ગોલ બચાવીને ટીમની જીતમાં મોટો ફાળો આપ્‍યો હતો.(૯.રર)

રિટાયરમેન્‍ટમાંથી યુટર્ન નહીં લે શ્રીજેશ

ભારતના સર્વશ્રેષ્ઠ ગોલકીપરોમાંના એક પી.આર. શ્રીજેશે સતત બીજો ઑલિમ્‍પિક બ્રૉન્‍ઝ મેડલ જીત્‍યા બાદ હૉકીમાંથી નિવળત્તિ લેવાના નિર્ણયને બદલવાની શકયતાને નકારી કાઢીને કહ્યું હતું કે ‘વિદાય લેવાનો આ યોગ્‍ય સમય છે. હું લોકોની ભાવનાઓનું સન્‍માન કરું છું, પરંતુ કેટલાક નિર્ણયો મુશ્‍કેલ હોય છે. યોગ્‍ય સમયે નિર્ણય લેવાથી પરિસ્‍થિતિ સુંદર બને છે. એથી મારો નિર્ણય બદલાશે નહીં. ટીમે શાનદાર પ્રદર્શન કરીને આ મૅચને યાદગાર બનાવી છે.'

(3:10 PM IST)