<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

પેરિસ પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ પર ધનવર્ષા : રોકડ ઈનામો જાહેર : જાણો કોને કેટલી ઈનામી રકમ મળશે ?

પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ ઘરે પરત ફર્યા ત્યારે સેંકડો ચાહકો દ્વારા ફૂલો, માળા અને મીઠાઈઓ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરાયું

નવી દિલ્હી :પેરિસ પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતીય પેરા ખેલાડીઓ માટે રોકડ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ  માંડવિયાએ મંગળવારે આ અંગેની જાહેરાત કરી હતી. ભારતે તાજેતરમાં સમાપ્ત થયેલી આ ગેમ્સમાં તેના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને સાત ગોલ્ડ સહિત કુલ 29 મેડલ જીત્યા હતા

   પેરિસમાં ગોલ્ડ જીતનાર ખેલાડીઓને 75 લાખ રૂપિયા, સિલ્વર મેડલ જીતનારને 50 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ જીતનારને 30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય મિશ્રિત ટીમમાં સામેલ મેડલ વિજેતાઓને 22.5 લાખ રૂપિયા આપવામાં આવશે.

   ભારતે પોતાના શાનદાર પ્રદર્શનથી પેરાલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં 50 મેડલનો આંકડો પણ પાર કર્યો છે. પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ મંગળવારે ઘરે પરત ફર્યા ત્યારે સેંકડો ચાહકો દ્વારા ફૂલો, માળા અને મીઠાઈઓ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 13 બ્રોન્ઝ સહિત 29 મેડલ સાથે તેના ઐતિહાસિક અભિયાનનો અંત કર્યો હતો

 

   કેન્દ્રીયમંત્રી માંડવીયાએ 2028 લોસ એન્જલસ પેરાલિમ્પિક્સમાં વધુ મેડલ જીતવા માટે પેરા એથ્લેટ્સને સંપૂર્ણ સમર્થન અને સુવિધાઓ પ્રદાન કરવાનું વચન પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, દેશ પેરાલિમ્પિક્સ અને પેરા સ્પોર્ટ્સમાં આગળ વધી રહ્યો છે. 2016માં ચાર મેડલમાંથી, ભારતે ટોક્યોમાં 19 અને પેરિસમાં 29 મેડલ જીત્યા અને 18મું સ્થાન મેળવ્યું. અમે અમારા તમામ પેરા એથ્લેટ્સને તમામ સુવિધાઓ પૂરી પાડીશું જેથી કરીને અમે 2028 લોસ એન્જલસ પેરાલિમ્પિક્સમાં વધુ મેડલ અને ગોલ્ડ મેડલ જીતી શકીએ.

પેરિસ પેરાલિમ્પિક્સ ભારત માટે સૌથી સફળ પેરાલિમ્પિક્સ સાબિત થઈ છે. ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 આ પહેલા ભારતની સૌથી સફળ પેરાલિમ્પિક્સ રહ્યો હતો. તેમાં ભારતે 54 એથ્લેટ મોકલ્યા હતા અને 19 મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. જેમાં પાંચ ગોલ્ડ, આઠ સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતે પોતાનો 20મો મેડલ જીતતાની સાથે જ ટોક્યો પેરાલિમ્પિક્સનો રેકોર્ડ તોડી નાખ્યો. આ ઉપરાંત સાત ગોલ્ડ જીતીને ભારતે ટોક્યોનો પાંચ ગોલ્ડનો રેકોર્ડ પણ તોડ્યો હતો.

(8:02 PM IST)