તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Saturday, 5th October 2024
મહિલા ટી-૨૦: ભારત-ન્યુઝીલેન્ડ મેચમાં થઇ બબાલઃ હરમનપ્રીત કૌર થઇ લાલઘુમ
કીવી બેટર રનઆઉટ થયા બાદ પેવેલીયન તરફ પરત ફરતાં અમ્પાયરે પરત બોલાવીઃ ડેડબોલ જાહેરઃ જોકે આ મેચમાં ભારતનો ૫૮ રને પરાજય થયો

નવી દિલ્હી,તા.૫: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મહિલા ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં ભારે હોબાળો જોવા મળ્યો હતો. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર કિવી બેટરને રન આઉટ ન આપતા ગુસ્સે થઈ ગઈ હતી. તેણે લાઈવ મેચમાં બંને અમ્પાયરો સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, ભારતીય ટીમના કોચ બાઉન્ડ્રીની બહાર થર્ડ અમ્પાયર સાથે દલીલ કરતા પણ જોવા મળ્યા હતા.
જે બાદ રમત થોડી મિનિટો માટે બંધ થઈ ગઈ હતી. હરમનપ્રીત કૌર ફીલ્ડ અમ્પાયરના નિર્ણયથી ખુશ ન હતી, તેણીએ ફિલ્ડ અમ્પાયર બાદ બાઉન્ડ્રી પાસે ઉભેલા થર્ડ અમ્પાયર સાથે ઝઘડો પણ કર્યો હતો. ભારતીય ટીમના કોચ અમોલ મજુમદાર પણ ત્યાં અમ્પાયર સાથે વાત કરી રહ્યા હતા. જોકે, બાદમાં ટીમ ઈન્ડિયા શાંત થઈ ગઈ અને આગળની રમત શરૂ થઈ.
ન્યુઝીલેન્ડની ઈનિંગની ૧૪મી ઓવરમાં એમેલિયા કેર રનઆઉટ થઈને પેવેલિયનમાં જતી રહી હતી. આ પછી અમ્પાયરે કેરને પાછી બોલાવી. દીપ્તિ શર્માની ઓવરના છેલ્લા બોલ પર એમેલિયા કેરે શોટ રમ્યો હતો. કેરે સોફી ડિવાઇન સાથે દોડીને એક રન પૂરો કર્યો. આ પછી કિવી બેટર બીજા રન માટે દોડ્યા ત્યારે હરમનપ્રીત કૌરે બોલ વિકેટકીપર રિચા ઘોષ તરફ ફેંક્યો. રિચાએ બોલ સ્ટમ્પ પર માર્યો. ત્યાં સુધી કેર ક્રિઝની અંદર પહોંચી નહોતી. ભારતીય કેપ્ટને આઉટ માટે અપીલ કરી અને કેર પેવેલિયન તરફ રવાના પણ થઈ ગઈ. ત્યારબાદ અમ્પાયરે કેરને પાછી બોલાવી. કારણ કે અમ્પાયરે તેને ડેડ બોલ જાહેર કર્યો કારણ કે દીપ્તિએ તેની ઓવર પૂરી કરી હતી અને અમ્પાયર પાસેથી કેપ લઈ લીધી હતી. તેથી અમ્પાયરે કહ્યું કે જો આ રન બનાવ્યો હોત તો પણ તેને ધ્યાનમાં લેવામાં ન આવ્યો હોત.જો કે આ મેચમાં ભારતનો ૫૮ રને પરાજય થયો હતો.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
