<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

ધો ડાલા....સંજુ-તિલકે આફ્રિકન બોલરોને રીતસરના રોવડાવ્‍યા

બ્‍લુ આર્મીએ માત્ર ૧ વિકેટ ગુમાવી ૨૮૩ રનનો જંગી જુમલો ખડકી દીધો હતો, આફ્રિકા માત્ર ૧૪૪ રનમાં ઓલઆઉટ : તિલક વર્માએ ૧૨૦ અને સંજુ સેમસને ૧૦૯ (અણનમ) ફટકાર્યાઃ મેચમાં ભારતે કુલ ૨૩ છગ્‍ગા લગાવ્‍યાઃ વિદેશી ધરતી ઉપર સોૈથી મોટો જુમલો

જોહાન્‍સબર્ગઃ પ્રચંડ ફોર્મમાં ચાલી રહેલા સંજૂ સેમસને પાંચ મેચમાં પોતાના કરિયરની ત્રીજી અને તિલક વર્માએ સતત બીજી ટી૨૦ ઇન્‍ટરનેશનલમાં સદી ફટકારીને રેકોર્ડ બનાવ્‍યો છે. સાઉથ આફ્રિકા સામે ચોથી મેચમાં ભારતીય ટીમે ઘણા રેકોર્ડ બનાવ્‍યાં છે. સંજુએ ૫૧ બોલમાં અને તિલક વર્માએ માત્ર ૪૧ બોલમાં સદી પૂરી કરી હતી. બંને બેટ્‍સમેનના આક્રમક પ્રદર્શનના જોરે ભારતે નિર્ધારિત ૨૦ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૨૮૩ રન બનાવ્‍યાં.

સંજૂ સેમસન અને તિલક વર્માએ ક્રમશઃ ૧૦૯ અને ૧૨૦ રનની ઇનિંગ રમી, જેનાથી ભારતે સ્‍કોર બોર્ડ પર ૨૮૩ રનનો વિશાળ સ્‍કોર ઊભો કર્યો. જે વિદેશમાં ટીમનો સૌથી મોટો ટોટલ પણ છે. ટીમ ઇન્‍ડિયાએ ટી૨૦ મેચમાં ત્રીજા સૌથી ફાસ્‍ટ ૨૦૦ રન પણ નોંધાવ્‍યાં છે. સંજુ સેમસન અને તિલક વર્માએ ભારતને ૧૪.૧ ઓવરની અંદર ૨૦૦થી વધુના સ્‍કોરે પહોંચાડી દીધું.

સંજુ સેમસન અને તિલક વર્માની આક્રમક બેટિંગથી ભારતે પોતાનો બીજો સૌથી મોટો ટી૨૦ ઇન્‍ટરનેશનલ સ્‍કોર બનાવી લીધો છે. આ વર્ષની શરૂઆતમાં જ ભારતે બાંગ્‍લાદેશ સામે હૈદરાબાદમાં પોતાનો સર્વોચ્‍ચ સ્‍કોર ૨૯૭ બનાવ્‍યો હતો. આ મેચમાં સંજુ સેમસને પોતાના કરિયરની પહેલી સદી ફટકારી હતી.

આ મેચમાં ભારતે કુલ ૨૩ છગ્‍ગા ફટકાર્યા, આમ બ્‍લુ આર્મીએ ટી૨૦ ઇન્‍ટરનેશનલમાં એક ઇનિંગમાં સૌથી વધુ છગ્‍ગા ફટકારવા માટે સંયુક્‍ત રૂપે ત્રીજા નંબરે પહોંચી ગયું છે. એક ઇનિંગમાં સૌથી વધુ છગ્‍ગાનો રેકોર્ડ ઝિમ્‍બાબ્‍વે પાસે છે. જેણે ઓક્‍ટોબર ૨૦૨૪માં ગામ્‍બિયા સામે ૨૭ છગ્‍ગા ફટકાર્યા હતા. આજે સંજુના બેટમાંથી ૯ અને તિલક વર્માના બેટમાંથી ૧૦ છગ્‍ગા આવ્‍યાં.

તિલક વર્મા અને સંજૂ સેમસને ભારત તરફથી ટી૨૦માં કોઈ પણ વિકેટ માટે સર્વશ્રેષ્ઠ પાર્ટનરશિપનો રેકોર્ડ બનાવ્‍યો છે. જ્‍યારે બીજી વિકેટ માટે આ સર્વશ્રેષ્ઠ પાર્ટનરશીપ રહી. સંજૂ સેમસન અને તિલક વર્માએ બીજી વિકેટ માટે માત્ર ૯૩ બોલ પર ૨૧૦ રનની પાર્ટનરશિપ નોંધાવી. આ ટી૨૦ ઇન્‍ટરનેશનલમાં કોઈ પણ વિકેટ માટે છઠ્ઠી સૌથી મોટી પાર્ટનરશીપ છે.

૨૮૪ રનના ટાર્ગેટ સાથે ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ ૧૮.૨ ઓવરમાં ૧૪૮ રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. અર્શદીપે ૩, અક્ષર પટેલ ર અને વરૂણ ચક્રવર્તીએ ર વિકેટ ઝડપી હતી. તિલક વર્મા પ્‍લેયર ઓફ ધ મેચ અને પ્‍લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો

(2:20 PM IST)