<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

રોહિત શર્માનું બીજી મેચ રમવું નક્કી:ટીમ ઇન્ડિયાનો આ ફાસ્ટ બોલર પણ ઓસ્ટ્રેલિયા જાય તેવી શકયતા

પાંચ મેચની આ ટેસ્ટ સિરીઝ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે:આ સિરીઝ માટે રોહિત શર્માને બાદ કરતા તમામ ખેલાડી ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા

મુંબઈ : બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25 શરૂ થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી છે. પાંચ મેચની આ ટેસ્ટ સિરીઝ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. આ સિરીઝ માટે રોહિત શર્માને બાદ કરતા તમામ ખેલાડી ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. રોહિત શર્માએ પોતાના બીજા બાળકના જન્મને લઈને ટીમ ઇન્ડિયામાંથી બ્રેક લીધો હતો. તેની પત્ની રીતિકા સજદેહે 15 નવેમ્બરે મોડી રાતે દીકરાને જન્મ આપ્યો છે. એવામાં રોહિત શર્મા હવે જલ્દી ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થશે. પરંતુ ખાસ વાત એ છે કે તેની સાથે અન્ય એક ખેલાડી પણ ઓસ્ટ્રેલિયા જાય તેવી શક્યતા છે.

   રોહિત શર્મા પહેલી મેચમાં ભાગ લઈ શકશે કે કેમ, તેને લઈને હજુ સ્પષ્ટતા થઈ શકી નથી. જો કે બીજી મેચમાં તેનુ રમવું લગભગ નક્કી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ રોહિત શર્માની સાથે બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા રવાના થઈ શકે છે.

   તેણે હાલમાં જ 1 વર્ષ પછી મેદાન પર વાપસી કરી હતી. શમીએ રણજી ટ્રોફીથી વાપસી કરી અને શાનદાર લયમાં પણ જોવા મળ્યો હતો. જો કે તે ટીમમાં સામેલ થશે કે નહીં તેનો નિર્ણય એક મેચ પછી જ લેવામાં આવશે. એટલે કે તે સિરીઝમાં બીજી મેચ પહેલા સ્ક્વોડમાં સામેલ થઈ શકે છે.

  મોહમ્મદ શમીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2023 ODI વર્લ્ડ કપ દરમિયાન રમી હતી. ત્યારથી તે ઈજાના કારણે મેદાનની બહાર હતો. આ વર્ષની શરૂઆતમાં તેણે પગની ઘૂંટીની સર્જરી કરાવી હતી. ત્યારથી તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ કેમ્પમાં હતો. તાજેતરમાં બંગાળની ટીમ તરફથી રમતા તે રણજી ટ્રોફીમાં મધ્યપ્રદેશ સામે રમ્યો હતો.

  આ મેચની પ્રથમ ઇનિંગમાં તેણે 19 ઓવરમાં 54 રન આપીને 4 વિકેટ ઝડપી હતી, ત્યારબાદ બીજી ઇનિંગમાં પણ શમીએ 18 ઓવરમાં 74 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે બેટથી પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, NCA ફિઝિયો નીતિન પટેલ આ મેચ માટે મેદાનમાં હતા. શમી અંગે અંતિમ નિર્ણય તેની સલાહ બાદ જ લેવામાં આવશે.

  બીજી તરફ બંગાળના કોચ લક્ષ્મી રતન શુક્લાએ શમીની ફિટનેસ પર કહ્યું, 'મોહમ્મદ શમી રમત માટે તૈયાર છે. બોલિંગ કરતી વખતે તે એકદમ લય દેખાતો હતો. તેણે બે ઇનિંગ્સમાં 44 ઓવર ફેંકી અને ક્યારેય લયથી બહાર દેખાયો નહીં કે ફિટનેસની કોઈ સમસ્યાનો સામનો કર્યો ન હતો. શ્વાસ ચડવાથી તે મેદાનની બહાર આવ્યો હતો.

(12:16 AM IST)