News of Friday, 29th November 2024
ભારતીય ટીમના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી
IPL 2025 મેગા ઓક્શનમાં સિદ્ધાર્થને કોઈ ખરીદનાર મળ્યો ન હતો: 34 વર્ષીય ફાસ્ટ બોલરે સ્પર્ધાત્મક સ્તરે તેની 17 વર્ષની લાંબી કારકિર્દીનો અંત આણ્યો: રાઈટ હેન્ડેડ ફાસ્ટ બોલરે ભારતીય ટીમ માટે કુલ 6 આંતરરાષ્ટ્રીય મેચો રમી હતી

મુંબઈ :ભારતીય ટીમના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલે ગુરુવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. 34 વર્ષીય ફાસ્ટ બોલરે સ્પર્ધાત્મક સ્તરે તેની 17 વર્ષની લાંબી કારકિર્દીનો અંત આણ્યો હતો. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જેદ્દાહમાં આયોજિત બે દિવસીય IPL 2025 મેગા ઓક્શનમાં સિદ્ધાર્થને કોઈ ખરીદનાર મળ્યો ન હતો.
સિદ્ધાર્થ કૌલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. રાઈટ હેન્ડેડ ફાસ્ટ બોલરે ભારતીય ટીમ માટે કુલ 6 આંતરરાષ્ટ્રીય મેચો (ત્રણ ODI અને ત્રણ T20 આંતરરાષ્ટ્રીય) રમી હતી. તેણે 2018માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું.
સિદ્ધાર્થ કૌલ એ ભારતીય ટીમનો સભ્ય હતો જેણે 2008માં વિરાટ કોહલીની કપ્તાની હેઠળ અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. સિદ્ધાર્થે ટૂર્નામેન્ટમાં 10 વિકેટ લીધી અને આ રીતે તે 2008ના અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ઝડપી ફાસ્ટ બોલર બન્યો હતો.
જ્યારે હું પંજાબની ગલીઓમાં રમતો હતો ત્યારે મારું એક સપનું હતું. સ્વપ્ન મારા દેશનું પ્રતિનિધિત્વ કરવાનું હતું. 2018માં ભગવાનની કૃપાથી મને T20 આંતરરાષ્ટ્રીયમાં મારી કેપ નંબર 75 અને ODI ટીમમાં 221 નંબર મળ્યો. હવે સમય આવી ગયો છે કે હું ભારતમાં મારી કારકિર્દીનો અંત લાવું અને મારી નિવૃત્તિની જાહેરાત કરું.
મારી કારકિર્દીના સાર-ખરાબ સમયમાં મને જે પ્રેમ અને સમર્થન મળ્યું છે તેના માટે શબ્દોથી મારી કૃતજ્ઞતા વ્યક્ત કરી શકતા નથી. હું ભગવાનનો આભાર માનવા માંગુ છું, જેણે મારા માટે માર્ગ બનાવ્યો. ચાહકોએ અનંત સમર્થન આપ્યું. મારા માતા-પિતા અને કુટુંબીજનો, જેમણે સમાધાન કર્યું અને મારામાં વિશ્વાસ કર્યો, ખાસ કરીને ઇજાઓ અને મારા ખરાબ સમયમાં.
ડ્રેસિંગ રૂમની યાદો અને મિત્રતા માટે હું મારા સાથી ખેલાડીઓનો આભાર માનું છું. ભારતનું પ્રતિનિધિત્વ કરવા અને 2008નો અંડર-19 વર્લ્ડ કપ જીતવા અને 2018માં તેની T20 અને ODI કૅપ મેળવવાના યુવાન છોકરાના સપનાને સાકાર કરવા માટે BCCIનો આભાર.
સિદ્ધાર્થ કૌલે આઈપીએલમાં બોલર તરીકે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 2013માં દિલ્હી ડેરડેવિલ્સ માટે રમતા તેની IPL કારકિર્દીની શરૂઆત કરી અને 2017 થી 2021 સુધી સનરાઇઝર્સ હૈદરાબાદ માટે મુખ્ય ભૂમિકા ભજવી. તેણે 2017 અને 2021માં 16 વિકેટ લીધી હતી જ્યારે 2018માં સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બીજા ક્રમનો બોલર બન્યો હતો.
2021માં સિદ્ધાર્થ કૌલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ બન્યો, પરંતુ તેને સારી તકો ન મળી. ત્યારપછી આ ફાસ્ટ બોલરને આઈપીએલની હરાજીમાં કોઈ ખરીદનાર મળ્યો નથી. સિદ્ધાર્થે જેદ્દાહમાં યોજાયેલી હરાજીમાં અનકેપ્ડ ખેલાડી તરીકે પોતાનું નામ નોંધાવ્યું હતું, પરંતુ કોઈએ તેના માટે બોલી લગાવી ન હતી.
પંજાબ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમનાર સિદ્ધાર્થ કૌલે 88 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 297 વિકેટ અને 111 લિસ્ટ A મેચમાં 199 વિકેટ ઝડપી હતી.
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
