News of Wednesday, 1st January 2025
ચેમ્પિયન્સ ટ્રોફીથી એશિયા કપ સુધી.. આ વર્ષે ટીમ ઇન્ડિયાનો વ્યસ્ત શેડયુલ
ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે વન-ડે, ટી-ર૦ સિરીઝ, જુનમાં ઇંગ્લેંન્ડ અને બાંગ્લાદેશના પ્રવાસેઃ વેસ્ટ ઇન્ડીઝની ટીમ ભારત આવશે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ ૨૦૨૪ ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું હતું. અફઘાનિસ્તાન સામેની ટી-૨૦ સીરિઝ હોય કે પછી ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ ભારતીય ટીમે પોતાની ક્ષમતા સાબિત કરીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પછી જૂનમાં ટી-૨૦ વર્લ્ડકપનો ખિતાબ જીતીને ટીમે આઇસીસીનો ખિતાબ ન જીતવાનો દુકાળ પણ ખતમ કરી નાખ્યો હતો. જો કે ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં પરાજય અને ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં પાછળ પડી ગયા બાદ ટીમ માટે નવું વર્ષ ૨૦૨૫માં ઘણાં મોટા પડકારોનો સામનો કરવો પડશે.
ચેમ્પિયન્સ ટ્રોફી અને ઈંગ્લેન્ડ સામે
ભારતે ઘરઆંગણે આવતા વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામે મર્યાદિત ઓવરોની સીરિઝ રમવાની છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ૨૨ જાન્યુઆરીથી ૧૨ ફેબ્રુઆરી સુધી ૫ ટી-૨૦ અને ૩ વનડે મેચોની સીરિઝ રમાની છે. આ પછી ભારતીય ટીમ વનડે ફોર્મેટમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાની છે. તે પાકિસ્તાનમાં આયોજિત થવાનું હતું, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ પાકિસ્તાન પ્રવાસ કરવાનો ઇનકાર કરી દીધો હતો, જેના પછી આઇસીસીએ ભારતની મેચ દુબઈમાં યોજવાનો નિર્ણય લીધો હતો. ભારત છેલ્લે વર્ષ ૨૦૧૩માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું અને વર્ષ ૨૦૧૭માં ફાઇનલમાં પાકિસ્તાન સામે હારી ગયું હતું.
WTC ફાઈનલમાં પહોંચશે તો જૂનમાં દ. આફ્રિકા સામે ટક્કર
ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં પાછળ પડ્યા બાદ ભારત માટે ષ્વ્ઘ્ ફાઈનલનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. પરંતુ તેના દરવાજા સંપૂર્ણપણે બંધ નથી થયા. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને પાંચમી ટેસ્ટમાં હરાવશે તો ભારતે પ્રાર્થના કરવી પડશે કે ઓસ્ટ્રેલિયન ટીમ શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ સીરિઝમાં હારી જાય. આ સ્થિતિમાં ભારત WTC ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શકે છે. જો ભારત આમ કરવામાં સફળ રહેશે તો ભારતીય ટીમ જૂનમાં લંડનમાં દક્ષિણ આફ્રિકા સામે ટાઈટલ મેચ રમશે. WTC ફાઈનલ મેચ ૧૧ થી ૧૫ જૂન દરમિયાન રમાશે.
ઈંગ્લેન્ડ-બાંગ્લાદેશના પ્રવાસે
જૂનથી ઓગસ્ટ દરમિયાન ભારતીય ટીમે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ૨૦ જૂનથી ૪ ઓગસ્ટ દરમિયાન યોજાનારી આ ટેસ્ટ સીરિઝ WTC ૨૦૨૫-૨૦૨૭ ચક્ર હેઠળ યોજાશે. ઈંગ્લેન્ડ પછી ભારતે ઓગસ્ટમાં ૩ વનડે અને વ્૨૦ મેચોની સીરિઝ માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો છે. આ સીરિઝની તારીખ અને સ્થળની જાહેરાત કરવામાં આવી નથી.
ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝની અને એશિયા કપ
બાંગ્લાદેશ પ્રવાસ બાદ ભારતીય ટીમ ૨ મેચની ટેસ્ટ સીરિઝ ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝની સામે રમશે. આ માટે પણ હજુ તારીખ અને સ્થળની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તે ઓક્ટોબરમાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝ બાદ ટીમ ટી-૨૦ ફોર્મેટમાં યોજાનાર એશિયા કપમાં ભાગ લેશે. ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત દ્વારા તેનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં છ ટીમો ભાગ લેશે. ભારત આ ટુર્નામેન્ટનું ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. વર્ષ ૨૦૨૬માં યોજાનાર ટી-૨૦ વર્લ્ડકપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને આ ટુર્નામેન્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે.
ફરી ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો
ભારતને વર્ષ ૨૦૨૫ના અંતમાં ફરી એકવાર ઓસ્ટ્રેલિયા સામે રમવાની તક મળશે. ટીમ હવે નવેમ્બરમાં ઘરઆંગણે કાંગારૂ ટીમ સામે ૩ વનડે અને ૫ ટી-૨૦ મેચોની સીરિઝ રમશે.
દક્ષિણ આફ્રિકા સામે ત્રણેય ફોર્મેટની સીરિઝ આ સિવાય વર્ષ ૨૦૨૫ના અંતમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે ત્રણેય ફોર્મેટમાં સીરિઝ રમશે. આ સિરીઝ ભારતમાં યોજાશે. ભારત નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૫માં દક્ષિણ આફ્રિકા સામે ૨ ટેસ્ટ, ૩ વનડે અને ૫ ટી-૨૦ મેચોની સીરિઝ રમશે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
