<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

ન્યુઝીલેન્ડના નાથન સ્મિથે બાઉન્ડ્રી લાઇન પર પકડ્યો અફલાતૂન કેચ: જુઓ વિડિઓ

ન્યૂઝીલેન્ડના નાથન સ્મિથે બાઉન્ડ્રી લાઇન પર શ્રીલંકાના અસહાન મલિંગાનો શાનદાર કેચ લીધો

ન્યૂઝીલેન્ડનો ખેલાડી નાથન સ્મિથ અચાનક જ સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગયો છે. સ્મિથે બુધવારે શ્રીલંકા સામેની બીજી વનડેમાં બાઉન્ડ્રી લાઇન પર અસહાન મલિંગાનો અવિશ્વસનીય કેચ લીધો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ ગયો.

આ ઘટના શ્રીલંકાની ઇનિંગ્સની 29મી ઓવરમાં બની હતી. વિલ ઓ'રુડકીએ ઓવરનો છેલ્લો બોલ શોર્ટ લેન્થનો નાખ્યો, જેના પર મલિંગાએ લોંગ ઓફ તરફ શોટ રમવાનો પ્રયાસ કર્યો. જો કે, બોલ તેના બેટના ઉપરના કિનારે અથડાયો અને થર્ડ મેનની દિશામાં ગયો. ત્યાં હાજર સ્મિથે જમણી બાજુએ દોડતા દોડતા હવામાં કૂદકો માર્યો અને શાનદાર કેચ પકડ્યો. સ્મિથ ડાઈવ મારીને લપસ્યો હતો પરંતુ તેનો પગ બાઉન્ડ્રી લાઇનથી દૂર રહ્યો.  

નાથન સ્મિથના કેચની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. બ્લેકકેપ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયો પર યૂઝર્સે કોમેન્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. એક યુઝરે કમેન્ટ કરી આને તમે સમર્પણ કહો છો. કેચથી તમે મેચ જીતો છો અને ન્યુઝીલેન્ડ જાણે છે કે કેવી રીતે ઉડવું છે. એક યુઝરે ટિપ્પણી કરી, પરફેક્ટ ફિશ ડાઇવ. તો અન્ય એક યુઝરે ટિપ્પણી કરી ન્યૂઝીલેન્ડની ફિલ્ડિંગ વિશ્વમાં શ્રેષ્ઠ છે.
 ન્યૂઝીલેન્ડે હેમિલ્ટનમાં રમાયેલી બીજી વનડેમાં શ્રીલંકાને 113 રનના વિશાળ અંતરથી હરાવીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. વરસાદના વિક્ષેપને કારણે ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરી અને 37 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 255 રન બનાવ્યા.

ન્યુઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્ર (79) અને માર્ક ચેપમેને (62) અડધી સદી ફટકારી હતી જ્યારે ડેરીલ મિશેલ (38), ગ્લેન ફિલિપ્સ (2) અને કેપ્ટન મિચેલ સેન્ટનર (20)એ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. શ્રીલંકા માટે મહિષ તિક્ષાણાએ હેટ્રિક સહિત કુલ 4 વિકેટ લીધી હતી. વાનિંદુ હસરંગાને બે વિકેટ મળી હતી. અસિત ફર્નાન્ડો અને અસહાન મલિંગાને એક-એક સફળતા મળી હતી.

256 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 30.2 ઓવરમાં 142 રનમાં સમેટાઈ ગઈ હતી. શ્રીલંકા માટે કામિન્દુ મેન્ડિસ (64)ની અડધી સદી નિરર્થક ગઈ. બોલરોમાં વિલિયમ ઓરૂર્કે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જેકબ ડફીને બે વિકેટ મળી હતી. મેટ હેનરી, નાથન સ્મિથ અને મિશેલ સેન્ટનરને એક-એક વિકેટ મળી હતી. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી અને અંતિમ વનડે 11 જાન્યુઆરીએ ઓકલેન્ડમાં રમાશે.

(1:17 AM IST)