News of Wednesday, 5th February 2025
કાલે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે સિનિયરોની વાપસી
ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ આ ત્રણ મેચની વન-ડે સિરીઝ મહત્વની સાબિત થશે : બપોરે ૧:૩૦ થી જીવંત પ્રસારણ રોહિત, વિરાટ, ગિલ, શ્રેયસ, રાહુલ, કુલદીપ, બુમરાહની વાપસીઃ બન્ને દેશો વચ્ચે કુલ ૧૦૭ વન-ડે રમાયા જેમાં ભારતે પ૮ મેચોમાં જીત મેળવીઃ નાગપુરની પિચ સ્પિનરોને મદદરૂપ થશે

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટી-૨૦ સિરીઝ સમાપ્ત થયા પછી હવે વન-ડે સિરીઝ શરૂ થવાની છે. બંને ટીમો વચ્ચે ૩ મેચની વનડે સિરીઝ રમાવાની છે. પ્રથમ વનડે મેચ તા.૬ ફેબ્રુઆરીના નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. બપોરે ૧:૩૦ વાગ્યાથી મેચ શરૂ થશે.
વનડે શ્રેણીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાં પાછા ફરશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી ૦૬ ફેબ્રુઆરી, ગુરુવારથી શરૂ થશે. શ્રેણીની છેલ્લી મેચ બુધવાર, ૧૨ ફેબ્રુઆરીના રોજ રમાશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૧૦૭ વન-ડે મેચ રમાઈ છે. આ હેડ ટુ હેડ મેચોમાં ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર હોય તેવું લાગે છે. ભારતીય ટીમે અત્યાર સુધીમાં ૫૮ મેચ જીતી છે. જયારે ઈંગ્લેન્ડે ૪૪ મેચ જીતી છે. આ ઉપરાંત, બંને વચ્ચે ત્રણ મેચ ટાઇમાં સમાપ્ત થઈ છે અને બે મેચ અનિર્ણિત રહી છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી મેચ નાગપુરમાં રમાશે. એક્યુ વેધરના અહેવાલ મુજબ ૬ ફેબ્રુઆરીએ તાપમાન ૩૨ ડિગ્રી રહેશે, જયારે પવન ૧૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. ભેજનું પ્રમાણ ૪૧ ટકા રહેવાનો અંદાજ છે. વરસાદની સંભાવના ૦ ટકા છે. નાગપુરમાં હવામાન ખુશનુમા રહેશે, દિવસનો મોટાભાગનો સમય તડકો રહેશે. આ પરિસ્થિતિમાં, હવામાનને કારણે મેચમાં કોઈ વિક્ષેપ નહીં આવે.
વર્ષ ૨૦૧૯ પછી ભારતીય ટીમ નાગપુરના મેદાન પર પહેલી વાર રમશે. અહીંની પિચ સ્પિન બોલરો માટે મદદરૂપ માનવામાં આવે છે. ભારતીય ટીમ પાસે આ સિરીઝ માટે કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ જેવા સ્પિન બોલરો છે, જે આ પીચ પર સારું પ્રદર્શન કરી શકે છે. આવામાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અહીંની પિચ સ્પિન બોલરો માટે મદદરૂપ સાબિત થશે.
ભારતઃ રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા.
ઈંગ્લેન્ડઃ હેરી બ્રુક, બેન ડકેટ, જો રૂટ, જેકબ બેથેલ, લિયામ લિવિંગસ્ટોન, બ્રાયડન કાર્સ, જેમી ઓવરટન, જોસ બટલર, જેમી સ્મિથ, ફિલ સોલ્ટ, જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, આદિલ રશીદ, સાકિબ મહમૂદ, માર્ક વુડ.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
