News of Friday, 7th February 2025
ગિલની સદી પૂર્ણ થાય તે માટે કેએલ રાહુલે ટીમને નુકસાન પહોંચાડ્યું? ગાવસ્કર ભડક્યા
રાહુલ પણ બેટથી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતોઃરોહિત માત્ર બે રન કરીને આઉટ થઇ ગયો હતો, ત્યારબાદ કેએલ રાહુલ પણ બે રન કરીને પવેલિયનભેગો થઇ ગયો હતો

નાગપુર,તા.૭
નાગપુર ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પહેલી વનડે મેચમાં કેપ્ટન રોહિત શર્મા સિવાય કેએલ રાહુલ પણ બેટથી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. રોહિત માત્ર બે રન કરીને આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ કેએલ રાહુલ પણ બે રન કરીને પવેલિયનભેગો થઇ ગયો હતો. આ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે રાહુલની બેટિંગ સ્ટાઈલ પર ભડકી ગયા હતા અને તેમણે આ ખેલાડીની આકરી ટીકા કરી હતી.
હકીકતમાં ૨૪૯ રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી ભારતીય ટીમની ૨૨૧ના સ્કોર પર ચોથી વિકેટ પડી હતી. જેમાં અક્ષર પટેલ ૫૨ રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ નંબર-૬ પર બેટિંગ કરવા કેએલ રાહુલ ક્રીઝ પર આવ્યો હતો. ત્યારે શુભમન ગિલ સદી પૂરી કરવાની નજીક હતો. આ દરમિયાન રાહુલ જયારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ભારતીય ટીમ જીતની નજીક પહોંચતી જોઈએ ગિલને સદી માટે સિંગલ લઈને સ્ટ્રાઈક બદલવાનું વિચાર્યું. રાહુલ પોતાની નેચરલ ગેમથી વિરુદ્ધ ગિલને રમવાની તક આપવાના ચક્કરમાં તેણે આદિલ રાશિદના બોલ પર સોફ્ટ શોટ રમવા જતા કેચ આઉટ થઇ ગયો હતો.
કેએલ રાહુલ આઉટ થયા બાદ સુનિલ ગાવસ્કર ગુસ્સે થી ગયા હતા અને કહ્યું હતું કે, 'કેએલ રાહુલે પોતાની નેચરલ ગેમ રમવી જોઈતી હતી. તે ખાતરી કરવા માંગતો હતો કે, તેના સાથેના ખેલાડી ગિલને સદી કરવાની તક મળે.
આ પ્રકારના વર્તન કરનારાઓને ટીમમાં સ્થાન ન આપવું જોઈએ. રાહુલે જે કર્યું તે યોગ્ય ન હતું.' જો કે રાહુલ આઉટ થયા છતાં પણ ગિલ સદી પૂરી કરી શક્યો નહોતો. તે ૯૬ બોલમાં ૮૭ રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ભારતીય ટીમે સરળતાથી ૩૮.૨ ઓવરમાં ૨૪૯ રનના ટાર્ગેટને હાંસલ કરી લીધું હતું. હવે ઇંગ્લેન્ડ સામેની આગામી વનડે મેચ નવમી ફેબ્રુઆરીએ કટકના મેદાનમાં પર રમાશે.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
