News of Monday, 10th March 2025
કોહલીએ ખાસ સિદ્ધિ હાંસલ કરીઃ તેંંડુલકર પછી એલિટ લિસ્ટમાં સામેલ થનાર બીજો ભારતીય

મુંબઇઃ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ દરમિયાન એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. કોહલી સતત ત્રીજી ચેમ્પિયન્સ ટ્રોફી ટાઈટલ મેચ રમી રહ્યો છે. કોહલીની આ ૫૫૦મી ઈન્ટરનેશનલ મેચ છે અને તે ઈન્ટરનેશનલ લેવલ પર આટલી મેચ રમનાર બીજો ભારતીય ખેલાડી છે. પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરે ભારત માટે કોહલી કરતાં વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. સચિનના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૬૬૪ મેચ રમવાનો રેકોર્ડ છે. ૨૦૧૩માં નિવૃત્તિ લેનાર સચિને તેની કારકિર્દીમાં ૨૦૦ ટેસ્ટ, ૪૬૩ વનડે અને એક ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. બીજી તરફ, કોહલીએ ભારત માટે ૧૨૩ ટેસ્ટ, ૩૦૨ વન-ડે અને ૧૨૫ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
કોહલી આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે બાંગ્લાદેશ સામે ૨૨ રન, પાકિસ્તાન સામે અણનમ ૧૦૦, ન્યુઝીલેન્ડ સામે ૧૧ અને ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મેચમાં ૮૪ રનની ઇનિંગ્સ રમી છે. કોહલી આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં સામેલ છે. હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨પમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ન્યૂઝીલેન્ડનો રચિન રવિન્દ્ર સૌથી આગળ છે, જેણે ચાર મેચમાં ૨૬૩ રન બનાવ્યા છે. તે જ સમયે, કોહલી ૨૧૭ રન બનાવીને હાલમાં ચોથા સ્થાન પર છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
