News of Sunday, 13th April 2025
વિરાટ કોહલીએ રાજસ્થાન રોયલ્સ સામે ફટકારી ફિફટી પણ થઈ ગઈ સેન્ચુરી :આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો
કોહલીએ છગ્ગા વડે પોતાના 50 રન પૂરા કર્યા : આ સિઝનમાં ત્રીજી અડધી સદી : ફિફ્ટી સાથે એક અદ્ભુત રેકોર્ડ પોતાના નામે કર્યો.

રવિવારે રાજસ્થાન રોયલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ એક અનોખું કામ કર્યું હતું .આ મેચમાં કોહલીએ ફિફ્ટી ફટકારી હતી પરંતુ આ સાથે તેણે એક ખાસ સદી પૂર્ણ કરી હતી. આ સાથે, તે એક ખાસ યાદીમાં બીજા સ્થાને આવી ગયો છે.
15મી ઓવરના ત્રીજા બોલ પર કોહલીએ શાનદાર સિક્સર ફટકારી. વાનિન્દુ હસરંગાએ બોલ ઉપર ફેંક્યો અને કોહલીએ આગળ વધીને એક જોરદાર છગ્ગો ફટકાર્યો. આ સિઝનમાં કોહલીની આ ત્રીજી અડધી સદી છે. આ ફિફ્ટી સાથે, કોહલીએ એક અદ્ભુત રેકોર્ડ પોતાના નામે કર્યો.
કોહલીએ છગ્ગા વડે પોતાના 50 રન પૂરા કર્યા સાથે સદી પણ ફટકારી દીધી. હકિકતમાં કોહલીની ટી 20 ક્રિકેટમાં આ 100મી અડધી સદી છે. એટલે કે તેણે ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટમાં અડધી સદીની સદી પૂર્ણ કરી છે. આવું કરનાર તે વિશ્વનો માત્ર બીજો બેટ્સમેન છે. તેના પહેલા ફક્ત ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર જ ટી20માં અડધી સદી ફટકારી શક્યો છે. કોહલીએ 405 મેચની 388 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે.
કોહલી ઉપરાંત તેના ઓપનિંગ પાર્ટનર ફિલ સોલ્ટે પણ આ મેચમાં શાનદાર ઇનિંગ્સ રમી અને અડધી સદી ફટકારી. તેણે કોહલી સાથે મળીને 92 રનની ભાગીદારી કરી. સોલ્ટે 33 બોલમાં પાંચ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 65 રન બનાવ્યા. વિરાટ કોહલીએ 45 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા અને અણનમ રહ્યો. દેવદત્ત પડિકલ 40 રન બનાવીને અણનમ પાછો ફર્યો.
આ ત્રણેયની ઇનિંગ્સના આધારે, RCB એ રાજસ્થાન દ્વારા આપવામાં આવેલ 174 રનનો લક્ષ્યાંક 17.3 ઓવરમાં પ્રાપ્ત કર્યો. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે 47 બોલમાં 10 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 75 રનની ઈનિંગ રમી.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
