<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

સૌરવ ગાંગુલીની ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલની મેન્સ ક્રિકેટ કમિટીના ચૅરપર્સન પદે ફરી નિયુક્તિ

દુબઈમાં હેડ-ક્વૉર્ટર ધરાવતી ક્રિકેટની આ સર્વોચ્ચ સંસ્થાની આ કમિટીના સભ્યપદે ગાંગુલીના ભૂતપૂર્વ સાથી ખેલાડી વીવીએસ લક્ષ્મણનો સમાવેશ

દુબઈઃ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીની ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (icc)ની મેન્સ ક્રિકેટ કમિટીના ચૅરપર્સનપદે ફરી નિયુક્તિ થઈ છે.

અહીં દુબઈમાં હેડ-ક્વૉર્ટર ધરાવતી ક્રિકેટની આ સર્વોચ્ચ સંસ્થાની આ કમિટીના સભ્યપદે ગાંગુલીના ભૂતપૂર્વ સાથી ખેલાડી વીવીએસ લક્ષ્મણનો સમાવેશ કરાયો છે.

2000-2005 દરમ્યાન ભારતીય ક્રિકેટ ટીમના અભિગમમાં અભૂતપૂર્વ પરિવર્તન લાવનાર ગાંગુલીની આ કમિટીમાં સૌથી પહેલાં 2021માં નિમણૂક થઈ હતી.

બાવન વર્ષના ગાંગુલીએ કમિટીના અધ્યક્ષસ્થાને ભારતના જ ભૂતપૂર્વ ખેલાડી અને તેના ભૂતપૂર્વ સાથી પ્લેયર અનિલ કુંબલેનું સ્થાન લીધું છે.

આ સમિતિમાં ગાંગુલી અને લક્ષ્મણ ઉપરાંત વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર ડેસ્મંડ હેઇન્સ, સાઉથ આફ્રિકાના ટેમ્બા બવુમા, અફઘાનિસ્તાનના હમીદ હસન તેમ જ ઇંગ્લૅન્ડના જોનથન ટ્રૉટનો સમાવેશ છે.

ગાંગુલી 1992થી 2008 સુધી ભારત વતી 113 ટેસ્ટ અને 311 વન-ડે રમ્યો હતો જેમાં તેણે કુલ 38 સેન્ચુરી અને 107 હાફ સેન્ચુરી સહિત કુલ 18,600 જેટલા રન કર્યા હતા.

 

(10:13 PM IST)