News of Thursday, 17th April 2025
MI vs SRH - IPL 2025: વિલ જેક્સે બોલ અને બેટથી મચાવ્યો ધમાકો... મુંબઈ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને ધૂળ ચટાડી
ઇંગ્લિશ ઓલરાઉન્ડર વિલ જેક્સના ઓલરાઉન્ડ પ્રદર્શન અને રોહિત-સૂર્યાની તોફાની બેટિંગની મદદથી મુંબઈએ હૈદરાબાદને 4 વિકેટે હરાવ્યું : પેટ કમિન્સની ત્રણ વિકેટ પણ હૈદરાબાદને જીત ના અપાવી શકી

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની મેચ નંબર-33માં મુંબઈ ઇન્ડિયન્સ (MI)નો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે થયો. 17 એપ્રિલ (ગુરુવાર)ના રોજ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સે 4 વિકેટે શાનદાર જીત મેળવી. મુંબઈ માટે ઇંગ્લિશ ઓલરાઉન્ડર વિલ જેક્સે બોલ અને બેટ બંનેથી જોરદાર પ્રદર્શન કર્યું. જેક્સે 2 વિકેટ ઝડપવાની સાથે 36 રન પણ બનાવ્યા.
મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને જીતવા માટે 163 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેને તેમણે 18.1 ઓવરમાં હાંસલ કરી લીધો. પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સની આ સિઝનમાં સાત મેચોમાં ત્રીજી જીત છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની સાત મેચોમાં આ ત્રીજી હાર રહી.
લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆત સારી રહી. ‘ઇમ્પેક્ટ સબ’ તરીકે ઉતરેલા રોહિત શર્મા અને રિયાન રિકેલ્ટને મળીને 3.5 ઓવરમાં 32 રન જોડ્યા. રોહિત શર્મા લયમાં જોવા મળી રહ્યો હતો, જો કે તે પોતાની ઇનિંગ્સને વધુ મોટી કરી શક્યો નહીં. રોહિતે 3 છગ્ગાની મદદથી 16 બોલમાં 26 રન બનાવ્યા. રોહિતની વિકેટ પેટ કમિન્સે લીધી.
રિયાન રિકેલ્ટન પણ લયમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ તે પણ પોતાની ઇનિંગ્સને વધુ મોટી કરી શક્યો નહીં. રિકેલ્ટનને હર્ષલ પટેલે આઉટ કર્યો. રિકેલ્ટને પાંચ ચોગ્ગાની મદદથી 23 બોલમાં 31 રન બનાવ્યા. ત્યારબાદ વિલ જેક્સ અને સૂર્યકુમાર યાદવે મળીને ત્રીજી વિકેટ માટે 52 રનની તોફાની ભાગીદારી કરી. સૂર્યકુમારે બે છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 15 બોલમાં 26 રન બનાવ્યા. સૂર્યકુમારની વિકેટ પણ પેટ કમિન્સે લીધી.
મુંબઈ ઇન્ડિયન્સની ચોથી વિકેટ વિલ જેક્સના રૂપમાં પડી, જે કમિન્સના બોલ પર આઉટ થયો. જેક્સે 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 26 બોલમાં 36 રન બનાવ્યા. અહીંથી હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ મળીને મુંબઈને જીતની નજીક પહોંચાડ્યું. પંડ્યા 21 રન બનાવીને ઇશાન મલિંગાનો શિકાર બન્યો. જ્યારે પંડ્યા આઉટ થયો, ત્યારે મુંબઈને જીત માટે માત્ર 1 રનની જરૂર હતી.
ચોંકાવનારી વાત એ રહી કે મુંબઈ ઇન્ડિયન્સે ત્યારબાદ નમન ધીર (0)ની પણ વિકેટ ગુમાવી દીધી. જો કે 19મી ઓવરના પહેલા બોલ પર તિલક વર્માએ ચોગ્ગો ફટકારીને મુંબઈને જીત અપાવી દીધી. હૈદરાબાદ માટે પેટ કમિન્સે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. જ્યારે ઇશાન મલિંગાને બે સફળતા મળી. હર્ષલ પટેલે એક વિકેટ ઝડપી.
અભિષેક-ક્લાસને રમી સારી ઇનિંગ્સ:
સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પાંચ વિકેટે 162 રન બનાવ્યા. હૈદરાબાદને પહેલા જ બોલ પર ઝટકો લાગી શકતો હતો, પરંતુ વિલ જેક્સે દીપક ચાહરના બોલ પર અભિષેક શર્માનો કેચ છોડ્યો. અભિષેકે આ જીવનદાનનો ફાયદો ઉઠાવ્યો અને કેટલાક શાનદાર શોટ્સ રમ્યા. શરૂઆતની 6 ઓવરમાં હૈદરાબાદે વિના વિકેટે 46 રન બનાવી દીધા હતા.
મુંબઈ ઇન્ડિયન્સને પ્રથમ સફળતા કેપ્ટન હાર્દિક પંડ્યાએ અપાવી, જેણે અભિષેક શર્માને આઉટ કર્યો. અભિષેકે 7 ચોગ્ગાની મદદથી 28 બોલમાં 40 રન બનાવ્યા. અભિષેક અને હેડ વચ્ચે પ્રથમ વિકેટ માટે 7.3 ઓવરમાં 59 રનની ભાગીદારી થઈ. ત્યારબાદ વિલ જેક્સે ઇશાન કિશન (2)ને સસ્તામાં આઉટ કરી દીધો. વિલ જેક્સે મુંબઈને વધુ એક મોટી સફળતા અપાવી, જ્યારે તેણે ટ્રેવિસ હેડને પેવેલિયન ભેગો કર્યો. હેડે ત્રણ ચોગ્ગાની મદદથી 29 બોલમાં 28 રન બનાવ્યા.
નીતીશ રેડ્ડી બિલકુલ લયમાં દેખાયો નહીં અને તે 19 રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો. હવે હેનરિક ક્લાસન પર જવાબદારી હતી કે તે હૈદરાબાદને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડે. ક્લાસને નિરાશ ન કર્યો અને 18મી ઓવરમાં 21 રન બનાવ્યા, જે દીપક ચાહરે ફેંક્યા હતા. જો કે તે આગામી ઓવરમાં જસપ્રીત બુમરાહના યોર્કર પર બોલ્ડ થઈ ગયો.
હેનરિક ક્લાસને ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 28 બોલમાં 37 રનની ઇનિંગ્સ રમી. ક્લાસનના આઉટ થયા બાદ અનિકેત વર્મા (18*) અને કેપ્ટન પેટ કમિન્સ (8*)એ કેટલાક મોટા શોટ્સ લગાવ્યા, જેના કારણે હૈદરાબાદ 160 રનનો આંકડો પાર કરવામાં સફળ રહ્યું. મુંબઈ ઇન્ડિયન્સ માટે વિલ જેક્સે સૌથી વધુ બે વિકેટ ઝડપી. હાર્દિક પંડ્યા, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહને એક-એક વિકેટ મળી.
વિકેટ પતન: 59-1 (અભિષેક શર્મા, 7.3 ઓવર), 68-2 (ઇશાન કિશન, 8.4 ઓવર), 82-3 (ટ્રેવિસ હેડ, 11.1 ઓવર), 113-4 (નીતીશ કુમાર રેડ્ડી, 16.4 ઓવર), 136-5 (હેનરિક ક્લાસન, 18.1 ઓવર)
મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઇંગ-11: રિયાન રિકેલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, કર્ણ શર્મા.
ઇમ્પેક્ટ સબ: રોહિત શર્મા
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ-11: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, હેનરિક ક્લાસન (વિકેટકીપર), ઇશાન કિશન, નીતીશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, ઝીશાન અંસારી, મોહમ્મદ શમી, ઇશાન મલિંગા.
જો રેકોર્ડ પર નજર કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઇન્ડિયન્સનું પલડું ભારે રહ્યું છે. બંને ટીમો વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધી 24 મુકાબલા થયા છે, જેમાં મુંબઈએ 14 અને હૈદરાબાદે 10 મેચોમાં જીત મેળવી છે. ગત સિઝનમાં બંને ટીમો વચ્ચે બે મુકાબલા થયા હતા, જેમાં સ્કોર 1-1થી બરાબર રહ્યો હતો.
મુંબઈ Vs હૈદરાબાદ હેડ-ટુ-હેડ
કુલ મેચ: 24
મુંબઈ જીત્યું: 14
હૈદરાબાદ જીત્યું: 10
સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્ક્વોડ: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતીશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસન (વિકેટકીપર), અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, ઝીશાન અંસારી, મોહમ્મદ શમી, ઇશાન મલિંગા, અભિનવ મનોહર, સચિન બેબી, રાહુલ ચાહર, વિયાન મુલ્ડર, જયદેવ ઉનાડકટ, કામિંદુ મેન્ડિસ, અથર્વ તાયડે, સિમરજીત સિંહ, સ્મરણ રવિચંદ્રન.
મુંબઈ ઇન્ડિયન્સનો સ્ક્વોડ: રોહિત શર્મા, રિયાન રિકેલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, કર્ણ શર્મા, કોર્બિન બોશ, અશ્વિની કુમાર, રાજ અંગદ બાવા, રોબિન મિંજ, રીસ ટોપ્લી, મુજીબ ઉર રહેમાન, કૃષ્ણન શ્રીજીત, અર્જુન તેંડુલકર, બેવોન જેકબ્સ, સત્યનારાયણ રાજુ, વિઘ્નેશ પુથુર.
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
