<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

IPL 2025 : કોલકાતાએ રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને ૧ રનથી હરાવ્યું : પ્લેઓફની આશા જીવંત રાખી

છેલ્લી ઓવર સુધી ચાલેલા મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને એક રનથી પરાજય આપ્યો : રિયાન પરાગની શાનદાર ૯૫ રનની ઇનિંગ વ્યર્થ

કોલકાતા: કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલા IPL 2025ના એક રોમાંચક મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને એક રનથી હરાવીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશાઓને જીવંત રાખી છે. ૨૦૭ રનના લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૨૦૫ રન જ બનાવી શકી.
રાજસ્થાન રોયલ્સની શરૂઆત નબળી રહી હતી અને ઓપનર વૈભવ સૂર્યવંશી (૪) જલ્દી આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ નંબર ૩ પર બેટિંગ કરવા આવેલા કુણાલ સિંહ રાઠોર પણ ત્રણ બોલમાં શૂન્ય રને પેવેલિયન ભેગો થયો હતો. રિયાન પરાગના આગમનથી રાજસ્થાનને થોડી આશા મળી હતી, પરંતુ ધ્રુવ જુરેલ (૦) અને વાનિન્દુ હસરંગા (૦) તેને સાથ આપી શક્યા નહોતા. જો કે, શિમરોન હેટમાયરના આગમનથી રાજસ્થાનની રનચેઝ ફરી જીવંત થઈ હતી અને તેણે પરાગ સાથે ભાગીદારી કરી હતી. હેટમાયર (૨૯) ૧૬મી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો અને પરાગ પણ ૧૮મી ઓવરમાં ૪૫ બોલમાં ૯૫ રન બનાવીને આઉટ થયો હતો.
છેલ્લી ઓવરમાં રાજસ્થાનને જીત માટે ૧૩ રનની જરૂર હતી અને જોફ્રા આર્ચર તથા શુભમ દુબે ક્રિઝ પર હતા, જ્યારે કોલકાતા તરફથી વૈભવ અરોરા બોલિંગ કરી રહ્યો હતો. ઓવરની શરૂઆત બે રન અને પછી એક રનથી થઈ હતી. ત્યારબાદ અરોરાએ ધીમો બોલ ફેંક્યો જેને દુબેએ છગ્ગા માટે ફટકાર્યો, ત્યારબાદ ચોગ્ગો અને પછી ફરી છગ્ગો માર્યો. છેલ્લા બોલ પર રાજસ્થાનને જીત માટે ત્રણ રનની જરૂર હતી, પરંતુ અરોરાએ શાનદાર યોર્કર ફેંકીને બાજી મારી લીધી અને રાજસ્થાનના બેટ્સમેનો બીજો રન પૂરો કરી શક્યા નહીં અને આર્ચર રનઆઉટ થયો.
આ પહેલા, કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આન્દ્રે રસેલ અને રિંકુ સિંહની જોરદાર બેટિંગના કારણે કોલકાતાએ ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૦૬ રન બનાવ્યા હતા. કોલકાતાને ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ (૩૫) દ્વારા સારી શરૂઆત મળી હતી, અને ત્યારબાદ કેપ્ટન અજિંક્ય રહાણે (૩૦) અને અંગક્રિશ રઘુવંશી (૪૪) એ પણ ઉપયોગી યોગદાન આપ્યું હતું. અંતમાં રસેલે (૫૭*) ચાર ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા જ્યારે રિંકુએ (૧૯*) એક ચોગ્ગો અને બે છગ્ગા મારીને કોલકાતાને ૨૦૭ રન સુધી પહોંચાડ્યું હતું. રાજસ્થાન રોયલ્સ તરફથી જોફ્રા આર્ચર, યુધવીર સિંહ, મહિષ તિક્ષણા અને રિયાન પરાગે એક-એક વિકેટ લીધી હતી.

 

(7:47 PM IST)