News of Monday, 12th May 2025
જસપ્રીત બુમરાહે આગામી ટેસ્ટ કેપ્ટન બનવાનો ઇનકાર કર્યો ! : BCCI ટૂંકસમયમાં નવો ટેસ્ટ કેપ્ટન પસંદ કરશે
ભારતીય પસંદગીકારો એવા ખેલાડીને પ્રાથમિકતા આપશે જે શ્રેણીની પાંચેય મેચ રમી શકે. શુભમન ગિલ અથવા ઋષભ પંતને હવે ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવી શકાય

ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં તેને યજમાન ટીમ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ પ્રવાસ પહેલા જ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. રોહિતે 7 મે (બુધવાર) ના રોજ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. રોહિતની નિવૃત્તિનો અર્થ એ છે કે ભારતે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે નવો ટેસ્ટ કેપ્ટન પસંદ કરવો પડશે.
આજે (સોમવારે)ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ પણ સત્તાવાર રીતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. કોહલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની માહિતી આપી.
ભારતીય પસંદગીકારો આવતા અઠવાડિયે નવા કેપ્ટનના નામ અને ટીમ પસંદગી અંગે ચર્ચા કરવા માટે મળી શકે છે. એક રિપોર્ટ મુજબ, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આગામી ટેસ્ટ કેપ્ટન બનવાનો ઇનકાર કરી દીધો છે. બુમરાહ વર્કલોડ મેનેજમેન્ટને કારણે શ્રેણીની પાંચેય ટેસ્ટ મેચ રમવા માંગતો નથી.
ભારતીય પસંદગીકારો એવા ખેલાડીને પ્રાથમિકતા આપવા જઈ રહ્યા છે જે શ્રેણીની પાંચેય મેચ રમી શકે. શુભમન ગિલ અથવા ઋષભ પંતને હવે ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવી શકાય છે. ઉપરાંત, આ બેમાંથી એકને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની ટેસ્ટ ટીમનો ઉપ-કપ્તાન નિયુક્ત કરી શકાય છે. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત 24 મે સુધીમાં થવાની ધારણા છે.
જસપ્રીત બુમરાહે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 દરમિયાન તમામ 5 ટેસ્ટ મેચ રમી હતી. જોકે, સિડનીમાં રમાયેલી છેલ્લી ટેસ્ટમાં બુમરાહ ઘાયલ થયો હતો. તે સમયે, બુમરાહની ઈજાનું કારણ વધુ પડતું કામનું ભારણ હોવાનું કહેવામાં આવ્યું હતું. પીઠની ઈજાને કારણે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમી શક્યો ન હતો. જોકે, ફિટ થયા પછી તેણે શાનદાર વાપસી કરી છે. બુમરાહે અત્યાર સુધીમાં IPL 2025 માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે 7 મેચ રમી છે અને 11 વિકેટ લીધી છે.
WTC ના ત્રીજા રાઉન્ડની અંતિમ મેચના થોડા દિવસો પછી જ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી યોજાવાની છે. ભારતીય ટીમે છેલ્લે 2021માં ટેસ્ટ શ્રેણી માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, જે 2-2થી ડ્રો રહી હતી. જોકે, કોવિડ-19 રોગચાળાને કારણે, તે પ્રવાસની છેલ્લી ટેસ્ટ મેચ 2022માં રમાઈ હતી, જેમાં ઇંગ્લેન્ડે સાત વિકેટથી જીત મેળવી હતી.
ભારત-ઇંગ્લેન્ડ શ્રેણીનું સમયપત્રક (2025)
1. જૂન 20-24: પહેલી ટેસ્ટ, હેડિંગ્લી
2. 2-6 જુલાઈ: બીજી ટેસ્ટ, બર્મિંગહામ
3. 10-14 જુલાઈ: ત્રીજી ટેસ્ટ, લોર્ડ્સ
4. 23-27 જુલાઈ: ચોથી ટેસ્ટ, માન્ચેસ્ટર
5. 31 જુલાઈ- 4 ઓગસ્ટ: પાંચમી ટેસ્ટ, ધ ઓવલ
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
