News of Monday, 12th May 2025
આર્ચરી વર્લ્ડ કપ શાંઘાઈ : ભારતે ૨ ગોલ્ડ સહિત કુલ ૭ મેડલ જીત્યા : દીપિકા કુમારી અને પાર્થ સાળુંકેએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો
ભારતીય તીરંદાજોનું શાનદાર પ્રદર્શન : મહિલા ટીમ અને મિશ્ર ટીમ પણ મેડલ જીતવામાં સફળ

શાંઘાઈ : ચીનના શાંઘાઈમાં યોજાયેલા આર્ચરી વર્લ્ડ કપ સ્ટેજ ૨ માં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે ૨ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલ સહિત કુલ ૭ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે.
પાર્થ સુશાંત સાળુંકેએ પુરુષોની વ્યક્તિગત રિકર્વ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે દીપિકા કુમારીએ પણ મહિલાઓની વ્યક્તિગત રિકર્વ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. પાર્થ સાળુંકેએ પ્લેઓફમાં ફ્રાન્સના ઓલિમ્પિક મેડલ વિજેતા બેપ્ટિસ્ટ એડિસને ૬-૪થી હરાવ્યો હતો, જ્યારે દીપિકા કુમારીએ કોરિયાની કાંગ ચાઈ-યંગને ૭-૩થી પરાજય આપ્યો હતો.
મધુરા ધામણગાંવકરે મહિલાઓની કમ્પાઉન્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે અભિષેક વર્મા, રિષભ યાદવ અને ઓજસ દેઓતાલેની ભારતીય પુરુષોની ત્રિપુટીએ કમ્પાઉન્ડ ટીમ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યોતિ સુરેખા વેન્નમ, ચિખિથા તાનિપાર્થી અને મધુરાની મહિલા ટીમ કમ્પાઉન્ડ ટીમ સિલ્વર જીતવામાં સફળ રહી હતી. મધુરા અને અભિષેકે કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, રિષભે પુરુષોની કમ્પાઉન્ડ ઇવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
વર્લ્ડ કપનો ત્રીજો તબક્કો ૩ થી ૮ જૂન દરમિયાન અંતાલ્યામાં યોજાશે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
