<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

કાલે મુંબઇ VS પંજાબ મુકાબલોઃ જે જીતશે એ ફાઇનલમાં

મુંબઇ ઇન્‍ડિયન્‍સનું શાનદાર પ્રદર્શન, ગુજરાત ટાઇટન્‍સ ટૂર્નામેન્‍ટમાંથી બહાર : આવતીકાલના મેચમાં જે ટીમ જીતશે એ ટીમ મંગળવારે અમદાવાદમાં નરેન્‍દ્ર મોદી સ્‍ટેડીયમ ખાતે બેંગ્‍લોર સામે ફાઇનલ રમશે

નવી દિલ્‍હીઃ ફાઈનલની રેસમાં ઉતરેલી મુંબઈ અને ગુજરાત વચ્‍ચેની એલિમિનેટર મેચમાં હાર્દિક પંડ્‍યાની સેનાએ બાજી મારી લીધી છે. ગુજરાતની ટીમનો પ્‍લેઓફ સુધી પહોંચ્‍યા પછી સફર સમાપ્ત થઈ ગયો છે. શુભમન ગિલની ટીમ પાછલી ત્રણ મેચ સળંગ હારી ગઈ છે અને તેના કારણે તેણે ઘણું નુકસાન વેઠવું પડ્‍યું છે. મુંબઈ સામે ગુજરાતે લીગ રાઉન્‍ડમાં બે મેચ જીતી હતી પરંતુ પ્‍લેઓફમાં મુંબઈએ ગુજરાત સામે બાજી મારી લીધી છે. આમ, ઇન્‍ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૫ના એલિમિનેટરમાં ગુજરાત ટાઇટન્‍સને હરાવીને મુંબઈ ઇન્‍ડિયન્‍સ ફાઇનલ તરફ આગળ વધ્‍યું છે.

આ મેચમાં દર્શકોને ઘણો રોમાંચ જોવા મળ્‍યો હતો. રોહિત શર્માના ૮૧ રનની મદદથી મુંબઈ ઇન્‍ડિયન્‍સે ૫ વિકેટે ૨૨૮ રન બનાવ્‍યા હતા. મેચ હાથમાંથી સરકી રહી હતી પરંતુ જસપ્રીત બુમરાહના એક બોલે બાજી પલટી નાખી હતી. સાઈ સુદર્શન અને વોશિંગ્‍ટન સુંદરની જોડી મુંબઈના બોલરો પર તૂટી પડી હતી, પરંતુ બુમરાહના યોર્કર મહત્‍વની સફળતા અપાવીને ગુજરાતના હાથમાં જતી જીત પર બ્રેક મારી હતી. એક સમયે જીત તરફ આગળ વધતી ગુજરાતની ટીમ ૬ વિકેટે ૨૦૮ રન જ બનાવી શકી હતી. બુમરાહએ ગુજરાતની આશાઓ પર પાણી ફેરવી દીધું અને ટીમ આઈપીએલમાંથી બહાર થઈ ગઈ છે.

આઈપીએલ એલિમિનેટરમાં ગુજરાત અને મુંબઈ વચ્‍ચે કટ્ટર સ્‍પર્ધા જોવા મળી હતી. પહેલા રોહિત શર્માનો ધમાકો મેચમાં હતો અને પછી જ્‍યારે ટીમને સૌથી વધુ જરૂર હતી, ત્‍યારે બુમરાહે પોતાનો જાદુ બતાવ્‍યો હતો. સાઈ સુદર્શન અને વોશિંગ્‍ટન સુંદરની જોડી ઝડપથી રનનો વરસાદ કરી રહી હતી ત્‍યારે ૨૨૯ રનનો લક્ષ્યાંક પણ ગુજરાત માટે નાનો લાગવા લાગ્‍યો હતો. મેચ હાથમાંથી સરકી રહી હતી તે જોઈને, કેપ્‍ટન હાર્દિક પંડ્‍યાએ બોલ તેના અદમ્‍ય હથિયાર બુમરાહને આપ્‍યો અને તેણે એ જ કર્યું જેના માટે તે જાણીતો છે.

સાઈ સુદર્શન અને વોશિંગ્‍ટન સુંદરે ૪૪ બોલમાં ૮૪ રનની ભાગીદારી કરીને મુંબઈ પર દબાણ બનાવ્‍યું અને શાનદાર ફિનિશિંગની તૈયારી કરી રહ્યા હતા. જ્‍યારે જસપ્રીત બુમરાહ બોલિંગ કરવા આવ્‍યો ત્‍યારે ૩૯ બોલમાં ૭૮ રનની જરૂર હતી અને ૮ વિકેટ હાથમાં હતી. તેણે શાનદાર યોર્કર ફેંકયો જેણે વોશિંગ્‍ટન અને લેગ સ્‍ટમ્‍પને ઉડાડી દીધું. મુંબઈએ આ તકનો લાભ લીધો અને ૨૦ રનથી મેચ જીતી લીધી હતી.

ગુજરાત માટે, સાઈ સુદર્શન અને વોશિંગ્‍ટન સુંદરની જોડી આરામથી લક્ષ્ય તરફ આગળ વધી રહી હતી પરંતુ આ જોડી તૂટી જતાં બધું બદલાઈ ગયું હતું. ૨૪ બોલમાં ૪૮ રન બનાવીને રમી રહેલા સુંદરને બુમરાહએ જબરદસ્‍ત યોર્કરથી બોલ્‍ડ કર્યો અને આ પછી મેચ ગુજરાતના હાથમાંથી સરકી ગઈ હતી. હવે આવતીકાલે મુંબઇ અને પંજાબ વચ્‍ચે કવાલીફાયર-૨ મેચ રમાશે. આ મેચમાંથી જે ટીમ જીતશે એ ૩ જૂને મંગળવાર અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડીયમ ખાતે બેંગ્‍લોર સામે ફાઇનલ રમશે.

(12:10 PM IST)