News of Monday, 9th June 2025
મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યું સર્વોચ્ચ સન્માન : ભારતીય ક્રિકેટના 'કેપ્ટન કૂલ' ICC હોલ ઓફ ફેમમાં સામેલ : વર્લ્ડ કપ વિજેતા કારકિર્દીનો વધુ એક સુવર્ણ અધ્યાય!
આ સન્માન મેળવનાર ધોની બન્યા ૧૦મા ભારતીય ખેલાડી : હાશિમ અમલા અને મેથ્યુ હેડન પણ શામેલ : ૮૨૯ ડિસમિસલ અને ૧૭,૨૬૬ આંતરરાષ્ટ્રીય રન સાથે શાંત સ્વભાવ અને અનોખી કેપ્ટનશીપથી ક્રિકેટમાં અમિટ છાપ છોડી : ૨૦૦૭ T20 વર્લ્ડ કપ વિજય ભારતીય ક્રિકેટના નવા યુગની શરૂઆત

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમને ૨૦૦૭ના T20 વર્લ્ડ કપ અને ૨૦૧૧ના વન-ડે વર્લ્ડ કપનો ખિતાબ અપાવનાર સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા એક મોટું સન્માન આપવામાં આવ્યું છે. ICC એ મહેન્દ્ર સિંહ ધોનીને પ્રતિષ્ઠિત ICC હોલ ઓફ ફેમમાં સામેલ કર્યા છે. આ ખાસ સન્માન મેળવનાર ધોની ૧૦મા ભારતીય ખેલાડી બન્યા છે, જે તેમના ભવ્ય ક્રિકેટિંગ કારકિર્દીનો વધુ એક સુવર્ણ અધ્યાય છે.
ધોની સાથે આમલા અને હેડન પણ શામેલ:
આ વર્ષે ICC એ મહેન્દ્ર સિંહ ધોનીની સાથે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન હાશિમ અમલા અને ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર મેથ્યુ હેડનને પણ ICC હોલ ઓફ ફેમમાં સામેલ કર્યા છે.
વિકેટકીપર-બેટ્સમેન તરીકે ક્રાંતિ:
૨૦૦૪માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર ધોનીએ પોતાના શાંત સ્વભાવ, અનોખી કપ્તાની કુશળતા અને વિકેટકીપિંગ-બેટિંગના અદ્વિતીય સંયોજનથી ક્રિકેટ જગતમાં પોતાની એક અમીટ છાપ છોડી છે. તેમની કારકિર્દીમાં ૧૭,૨૬૬ આંતરરાષ્ટ્રીય રન, ૮૨૯ ડિસમિસલ અને ૫૩૮ મેચનો સમાવેશ થાય છે. તેમની અનકન્વેન્શનલ ટેકનિકે વિકેટકીપિંગને એક નવા સ્તરે પહોંચાડ્યું – પછી તે મિલિસેકન્ડમાં સ્ટમ્પિંગ હોય કે અશક્ય લાગતી કેચ પકડવાની વાત હોય. બેટિંગમાં પણ તેમણે પાવર-હિટિંગને નવા આયામ આપ્યા. પાકિસ્તાન સામેની ૧૪૮ રનની ઇનિંગ્સ અને શ્રીલંકા સામેની ૧૮૩* રનની અણનમ ઇનિંગ્સે તેમને એક ખતરનાક ફિનિશર તરીકે સ્થાપિત કર્યા.
૨૦૦૭ T20 વર્લ્ડ કપ: ભારતીય ક્રિકેટના નવા યુગની શરૂઆત:
૨૦૦૭માં જ્યારે ધોનીને યુવા ટીમના સુકાની તરીકે જવાબદારી સોંપવામાં આવી, ત્યારે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે તે ભારતને પ્રથમ T20 વર્લ્ડ કપ અપાવશે. રોહિત શર્મા, આરપી સિંહ, રોબિન ઉથપ્પા જેવા યુવા ખેલાડીઓ સાથે તેમણે 'ફિયરલેસ ક્રિકેટ'નો નવો અધ્યાય લખ્યો. પાકિસ્તાન સામેની ફાઇનલમાં મિસ્બાહ-ઉલ-હકનો અંતિમ ઓવરમાં વિકેટ લઈને ધોનીએ ભારતને ચેમ્પિયન બનાવ્યું. આ જીત ખરેખર ભારતીય ક્રિકેટના "નવા યુગ"ની શરૂઆત હતી.
આ સન્માન પર પ્રતિક્રિયા આપતા ધોનીએ કહ્યું, "ICC હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવવું ગર્વની વાત છે. આ સન્માન મારી સાથે હંમેશા રહેશે." ધોનીનું આ સન્માન કરોડો ભારતીય ક્રિકેટ ચાહકો માટે પણ ગર્વનો વિષય છે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
