News of Friday, 27th June 2025
ભારત અને ઇંગ્લેન્ડની બીજી ટેસ્ટમાં લાગુ થશે ૫ નવા નિયમો, બોલિંગમાં મોડું કરવું હવે ભારે પડશે
મેચમાં સ્ટોપ ક્લોકથી લઈને શોર્ટ રન સંબંધિત નિયમો સામેલ, આ નિયમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વર્તમાન સાઇકલથી લાગુ થઈ રહ્યાં છે

નવી દિલ્હી,તા.૨૭: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચમાં ઘણા નવા નિયમો જોવા મળશે. આ મેચમાં સ્ટોપ ક્લોકથી લઈને શોર્ટ રન સંબંધિત નિયમો સામેલ છે. આ નિયમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વર્તમાન સાઇકલથી લાગુ થઈ રહ્યાં છે. નવા નિયમો અંતર્ગત હવે જાણી જોઈને શોર્ટ રન લેવો બેટિંગ કરનાર ટીમને ભારે પડશે. જો આવું થશે તો ફિલ્ડિંગ કરનાર ટીમને એ હક આપવામાં આવશે કે, બે બેટ્સમેનમાં કોણ સ્ટ્રાઇક પર રહેશે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ નિયમ ઘણા દિવસ પહેલા જ નક્કી કરી લીધો હતા, પરંતુ તેની શરૂઆત શ્રીલંકા અને બાંગ્લાદેશની પહેલી ટેસ્ટથી થઈ હતી. નવા નિયમમાં એક નિયમ સ્ટોપ ક્લોકનો છે. તેનાથી ટેસ્ટ મેચમાં ધીમા ઓવર રેટની સમસ્યાથી મુક્તિ મળશે. ફિલ્ડિંગ ટીમને કોઈ ઓવર પૂરી કરવાના ૬૦ સેકન્ડની અંદર આગલી ઓવર શરૂ કરવી પડશે. મેદાન પર ઇલેક્ટ્રોનિક ઘડિયાળ જોવા મળશે જેના પર શૂન્યથી ૬૦ સેકન્ડ સુધીનું કાઉન્ટિંગ દેખાશે.
ફિલ્ડિંગ ટીમને ૬૦ સેકન્ડની અંદર ઓવર ન કરાવવા પર બે વાર ચેતવણી આપવામાં આવશે. ત્રીજી વાર આવી ભૂલ કરવા પર બેટિંગ ટીમને પાંચ પેનલ્ટી રન આપવામાં આવશે. આ નિયમ દર ૮૦ ઓવર પૂરી થયા પછી ફરી શરૂ કરવામાં આવશે. એટલે કે જો કોઈ ફિલ્ડિંગ ટીમે પહેલી ૮૦ ઓવરમાં બે વાર આવી ભૂલ કરી છે. ત્યાર બાદ તે ૮૧મી ઓવરમાં આવી ભૂલ રિપીટ કરે તો તેને ત્રીજી નહીં, પરંતુ પહેલી ભૂલ માનવામાં આવશે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
