<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

યુએસ ઓપન: વર્લ્ડ નંબર-૧ સિનર, જોકોવિચ અને ઓસાકા ક્વાર્ટર ફાઇનલમાં, સિનરે ૧ કલાક ૨૧ મિનિટમાં જીતી મેચ!

જાપાનની નાઓમી ઓસાકાએ શાનદાર વાપસી કરી: ચોથા રાઉન્ડમાં અમેરિકાની કોકો ગૌફને ૬-૩, ૬-૨થી હરાવીને ૨૦૨૦ પછી પહેલીવાર આ ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં

ન્યુયોર્ક : ટેનિસની દુનિયાના ટોચના ખેલાડીઓ જૈનિક સિનર અને નોવાક જોકોવિચે યુએસ ઓપન ૨૦૨૫ના ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર રીતે પ્રવેશ કર્યો છે. વર્તમાન ચેમ્પિયન અને વર્લ્ડ નંબર-૧ જૈનિક સિનરે તો ચોથા રાઉન્ડમાં કઝાકિસ્તાનના એલેક્ઝાન્ડર બુબ્લિકને માત્ર ૧ કલાક અને ૨૧ મિનિટમાં ૬-૧, ૬-૧, ૬-૧થી હરાવીને બધાને ચોંકાવી દીધા. આ મેચ આ વર્ષના યુએસ ઓપનમાં અત્યાર સુધીની સૌથી ઓછી સમયમાં પૂરી થયેલી મેચ છે. આ જીત સાથે સિનરની હાર્ડકોર્ટ પર ગ્રાન્ડ સ્લેમમાં સતત ૨૫મી જીત છે.

સિનેરનો મુકાબલો મુસેટ્ટી સાથે
ક્વાર્ટર ફાઇનલમાં સિનરનો મુકાબલો તેમના જ દેશના ખેલાડી લોરેન્ઝો મુસેટ્ટી સાથે થશે. મુસેટ્ટીએ પણ ચોથા રાઉન્ડમાં સ્પેનના જૌમે મુનારને ૬-૩, ૬-૦, ૬-૧થી હરાવીને પહેલીવાર યુએસ ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ મેચ રોમાંચક રહેવાની અપેક્ષા છે.
 
વુમન્સ સિંગલ્સમાં ઓસાકાનો પાવર પ્લે
વુમન્સ સિંગલ્સમાં, ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-૧ જાપાનની નાઓમી ઓસાકાએ પણ શાનદાર વાપસી કરી છે. તેણે ચોથા રાઉન્ડમાં અમેરિકાની કોકો ગૌફને ૬-૩, ૬-૨થી હરાવીને ૨૦૨૦ પછી પહેલીવાર આ ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઓસાકાએ અત્યાર સુધી ગૌફ સામે કુલ ત્રણ મેચ જીતી છે.
 
જોકોવિચ પણ ક્વાર્ટર ફાઇનલમાં
૨૪ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર દિગ્ગજ ખેલાડી નોવાક જોકોવિચ પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. રવિવારે તેમણે ચોથા રાઉન્ડમાં જર્મનીના ક્વોલિફાયર જાન-લેનાર્ડ સ્ટ્રફને ૬-૩, ૬-૩, ૬-૨થી હરાવીને પોતાની શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે.

 

(8:02 PM IST)