News of Friday, 19th September 2025
પાકિસ્તાનની મુશ્કેલી વધશે, આઈસીસી લેશે કડક પગલા
ખેલાડીઓ અને મેચ ઓફિશીયલ્સ એરિયામાં વીડીયો બનાવવાનો ગંભીર ગુનો કર્યોઃ કેપ્ટન, કોચ સાથે રેફરીની વાતચીતનો વીડિયો બનાવવાના પણ પ્રયત્નો કર્યા હતા

નવી દિલ્હીઃ એશિયા કપ ૨૦૨૫ દરમિયાન પાકિસ્તાનની ટીમ પર એક પછી એક વિવાદો વધતા જાય છે. યુએઈ સામેનો મેચ એક કલાક મોડો શરૂ થવા પાછળના કારણે હવે આઈસીસીની નજરમાં આવી ગયા છે અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર કાર્યવાહી થવાની સંભાવના ઊભી થઈ છે.
ગ્રુપ-એની છેલ્લી લીગ મેચ યુએઈ અને પાકિસ્તાન વચ્ચે રમાવાની હતી, પરંતુ પાકિસ્તાનના વિરોધને કારણે મેચ એક કલાક મોડી શરૂ થઈ. ટીમ પાકિસ્તાન મેચ રેફરી એન્ડી પાયક્રોફટને હટાવવા માટે અડી ગઈ હતી, ત્યારબાદ જ ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા. ટીઓઆઈના અહેવાલ મુજબ, યુએઈ સામેના મુકાબલા પહેલા ઘણા નિયમોના ભંગ કરાયા હતા. આઈસીસીના સીઈઓ સંજોગ ગુપ્તાએ પીસીબીને કડક ઈમેલ મોકલી જણાવ્યું કે પ્લેયર્સ અને મેચ ઓફિશિયલ્સ એરિયા (પીએમઓએ)માં વીડિયો બનાવવો ગંભીર ગુનો છે અને તેને નિયમોનો ભંગ માનવામાં આવશે.
અહેવાલ મુજબ પીસીબી ઈચ્છતું હતું કે કપ્તાન સલમાન આગા, કોચ માઈક હેસન અને મેચ રેફરી પાયક્રોફટ વચ્ચેની આખી વાતચીત રેકોર્ડ કરવામાં આવે. જ્યારે તેમને પીએમઓએ એરિયામાં આવું ન કરવા સૂચવાયું, ત્યારે પીસીબીએ મેચમાંથી હટવાની ધમકી આપી દીધી. સ્થિતિ વધારે ન બગડે તે માટે પીસીબીને તાત્કાલિક છૂટ આપવામાં આવી, પરંતુ આ મુદ્દે હવે આઈસીસી સખત વલણ અપનાવવાની તૈયારીમાં છે.
આઈસીસીને લાગે છે કે પીસીબી આ બેઠકને અનાવશ્યક રીતે વિવાદાસ્પદ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પીએમઓએ એરિયામાં ના પીસીબી મીડિયા મેનેજરને ફોન લઈને જવાની પણ કોશિશ કરવામાં આવી, જેને લઈને વધુ તણાવ સર્જાયો હતો. હવે જો આઈસીસી કાર્યવાહી કરે છે તો પાકિસ્તાન માટે એશિયા કપની સફરમાં મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.(૪૦.૨૦)
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
