News of Wednesday, 24th September 2025
શ્રીલંકા આઉટઃ ફાઈનલમાં ભારત સામે કઈ ટીમ ટકરાશે?
એશિયા કપમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ફાઈનલની દોડ હવે ખુબ જ રસપ્રદ બની, શ્રીલંકા લગભગ બહાર, ભારતની સ્થિતિ મજબૂત છે અને આજે ભારત વિરૂધ્ધ બાંગ્લાદેશનો મુકાબલો નિર્ણાયક સાબિત થશે

નવી દિલ્હીઃ પાકિસ્તાનની શ્રીલંકા પરની જીત પછી એશિયા કપ ફાઈનલની દોડ વધુ રસપ્રદ બની ગઈ છે.
જો કોઈ ચમત્કાર નહીં બને તો ફાઈનલમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી જ બે ટીમો એકબીજાને ટક્કર આપવા સામેસામે મેદાનમાં ઉતરશે. ભારતની દાવેદારી સૌથી મજબૂત છે, કારણ કે તેનો નેટ રન રેટ સારો છે અને ટીમ પણ ખુબ જ મજબૂત છે. અસલી ટક્કર બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે જોવા મળશે.
પાકિસ્તાનને સુપર-૪માં ભારત સામે હારનો સામનો કરવો પડયો હતો, પરંતુ ત્યારબાદ તેણે શ્રીલંકાને હરાવીને સ્પર્ધાને વધુ જ રસપ્રદ બનાવી દીધી છે. ત્રણ સતત જીત બાદ થયેલી બે હારે શ્રીલંકાની સફર લગભગ પૂરી કરી દીધી છે. હવે ભારતીય ટીમ આજે બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે. બંને ટીમો પાસે ૧-૧ જીત છે. એટલે આજે જે જીતે તે સીધી ફાઈનલમાં પહોંચશે. હારનાર ટીમ પાસે એક છેલ્લો મોકો રહેશે.
હાલ પોઈન્ટ ટેબલમાં ભારત ૨ પોઈન્ટ સાથે અને ૦.૬૮૯ નેટ રન રેટ ધરાવીને પ્રથમ સ્થાને છે. પાકિસ્તાન શ્રીલંકાને હરાવ્યા પછી ૨ પોઈન્ટ અને ૦.૨૨૬ નેટ રન રેટ સાથે બીજા ક્રમે છે. બાંગ્લાદેશ ૨ પોઈન્ટ અને ૦.૧૨૧ નેટ રન રેટ સાથે ત્રીજા ક્રમે છે. શ્રીલંકા તેના બંને સુપર-૪ મુકાબલા હારીને હવે લગભગ બહાર છે. આજે ભારત અને બાંગ્લાદેશનો મુકાબલો એક ફાઈનલિસ્ટ ટીમનું નામ નક્કી કરી દેશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે જીતશે તે ૪ પોઈન્ટ મેળવી ફાઈનલમાં પ્રવેશ મેળવી લેશે. જેમાં હાર થશે તેની સ્થિતી મુશ્કેલ બનશે. જો બાંગ્લાદેશ હારે તો ભારત ફાઈનલમાં પહોંચી જશે અને ત્યારબાદ તેને પાકિસ્તાન સામે રમવું પડશે. અહીં જે જીતશે તે ફાઈનલની ટિકિટ ઝડપી લેશે.
જો ભારતીય ટીમ આજે હારી જાય તો તેને છેલ્લો મુકાબલો શ્રીલંકા સામે રમવો પડશે. તે પહેલાં એક દિવસ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેનો મુકાબલો થશે. જો પાકિસ્તાન જીતે તો ભારતને શ્રીલંકા સામે મોટી જીત સાથે નેટ રન રેટ સુધારીને જ ફાઈનલમાં પહોંચવું પડશે. જ્યારે જો બાંગ્લાદેશ પાકિસ્તાનને હરાવે તો ભારત ફક્ત શ્રીલંકાને હરાવીને ફાઈનલમાં પહોંચી જશે. પરંતુ જો અંતમાં પાકિસ્તાન અને ભારત બંને તેમના છેલ્લા મુકાબલામાં હારી જાય તો ફાઈનલમાં કોણ જશે તેનો નિર્ણય નેટ રન રેટના આધારે થશે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
