તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Thursday, 9th October 2025
૫૮ કરોડ લો અને દેશ છોડીને ફ્રેન્ચાઈઝી વતી રમો
ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો પેટ કમિન્સ અને ટ્રેવિસ હેડને આવી ઓફર મળી હોવાની અને તેમણે ઠુકરાવી દીધી હોવાની ચર્ચા

નવી દિલ્હીઃ દર વર્ષે નવી-નવી લીગ ટુર્નામેન્ટ શરૂ થઈ હોવાથી ક્રિકેટપંડિતોએ ક્રિકેટની હાલત પણ ફુટબોલ જેવી થરો એવી આશંકા વ્યક્ત કરી હતી. ફુટબોલમાં ખેલાડીઓ પોતાના દેશની નેશનલ ટીમ વતી રમવાને બદલે પ્રીમિયર લીગ કે યુરોપિયન લીગ વગેરેમાં રમવાને પ્રાથમિકતા આપી રહ્યા છે.
ક્રિકેટમાં પણ એવા દિવસો હવે બહુ નથી. એક અહેવાલ પ્રમાણે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ અને આક્રમક ઓપનર ટ્રેવિસ હેડને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈને વર્ષભર એક ફ્રેન્ચાઇઝી વતી જુદી-જુદી લીગમાં રમતા રહેવા ૧૦ મિલીયન ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે ૫૮ કરોડ રૂપિયા)ની ઓફર મળી છે. જોકે રિપોર્ટ પ્રમાણે આ બન્ને ખેલાડીઓએ આ લલચામણી ઓફરને ઠુકરાવી દીધી છે.
કમિન્સ અને હેડ બન્ને ઇન્ડિયન પ્રીમિયર લીગની સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમતા હોવાથી એ જ ફ્રેન્ચાઇઝીએ આ ઓફર કરી હોવાની ચર્ચા છે.
હૈદરબાદ ફ્રેન્ચાઈઝી કેરિબિયન પ્રીમિયર લીગ, અમેરિકાની મેજર લીગ ક્રિકેટ, ઇંગ્લેન્ડની ધ હન્ડ્રેડ વગેરે લીગમાં ફ્રેન્ચાઇઝી ધરાવતી હોવાથી તેઓ અમુક દિગ્ગજ ખેલાડીઓ તેમની સાથે વર્ષભર જોડાયેલા હે તો ટીમમાં સાતત્ય રહે એવું માની રહી છે. કમિન્સને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડવતી રમવાના વર્ષે ૧૭.૫ કરોડ રૂપિયા મળે છે અને સનરાઇઝર હૈદરાબાદ વતી રમવાના ૧૮ કરોડ રૂપિયા મળે છે. બન્ને મળીને ૩૫.૫ કરોડ રૂપિયા થાય છે. એની સામે તેને ૫૮ કરોડ રૂપિયા ઓફર કરવામાં આવ્યા છે.
અત્યારે તો બન્ને દિગ્ગજો આવી લોભામણી ઓફરથી નથી લલચાયા, પણ કેટલા દિવસો સુધી તેઓ કે અન્ય ખેલાડીઓ પોતાને આવી ઓફરથી બચાવી શકે છે એ જોવું રસપ્રદ બની રહેશે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
