News of Saturday, 1st November 2025
હરમનપ્રીત કૌર મહિલા વર્લ્ડ કપમાં ઇતિહાસ રચવાની તૈયારીમાં : દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં કપ્તાનને માત્ર ૨ સિક્સરની જરૂર
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન ટૂર્નામેન્ટની 'સિક્સર ક્વીન' બનવાથી માત્ર બે ડગલાં દૂર : ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઇનને પાછળ છોડવા માટે રેકોર્ડ પર નજર : રવિવારે નવુ મુંબઈમાં ભારત ત્રીજી વખત ફાઇનલમાં ખિતાબનો દુકાળ ખતમ કરવા ઉતરશે

નવી મુંબઈ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે આઈસીસી મહિલા વનડે વર્લ્ડ કપ ૨૦૨૫ ની ફાઇનલ મેચ નવી મુંબઈના મેદાન પર રમાવાની છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ વખતે ત્રીજી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં ખિતાબના દુકાળનો અંત લાવવા ઉતરશે. અગાઉ ભારતે ૨૦૦૫ અને ૨૦૧૭ માં ફાઇનલ રમી હતી, પરંતુ બંને વખતે નિરાશા મળી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમનો આ પ્રથમ મહિલા વર્લ્ડ કપ ફાઇનલ છે.
આ ખિતાબી મુકાબલામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન અને અનુભવી બેટ્સમેન હરમનપ્રીત કૌર ઇતિહાસ રચવાના આરે ઊભી છે. તે ટૂર્નામેન્ટની 'સિક્સર ક્વીન' બનવાથી માત્ર બે છગ્ગા દૂર છે.
હરમનપ્રીત પાસે રેકોર્ડ બનાવવાની તક
હરમનપ્રીત હાલમાં મહિલા વનડે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા મારનારી ખેલાડીઓની યાદીમાં સંયુક્ત રીતે બીજા સ્થાને છે.
* હરમનપ્રીત કૌર: ૩૪ મેચોમાં કુલ ૨૨ સિક્સ ફટકારી ચૂકી છે.
* ડિએન્ડ્રા ડોટિન (વેસ્ટ ઈન્ડિઝ): ૨૯ મેચોમાં ૨૨ સિક્સ સાથે સંયુક્ત બીજું સ્થાન.
* સોફી ડિવાઇન (ન્યૂઝીલેન્ડ): ૩૨ મેચોમાં ૨૩ સિક્સ સાથે યાદીમાં ટોચ પર.
૩૬ વર્ષીય હરમનપ્રીતને ન્યૂઝીલેન્ડની દિગ્ગજ ખેલાડી સોફી ડિવાઇન ને પાછળ છોડવા માટે માત્ર બે સિક્સ ની જરૂર છે. (સોફી ડિવાઇને ઇંગ્લેન્ડ સામેની હાર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.)
હરમનપ્રીતે ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં પણ શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે ૮૯ બોલમાં ૧૦ ચોગ્ગા અને બે છગ્ગા ની મદદથી ૮૯ રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતે સાત વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને ૩૩૯ રનના લક્ષ્યનો પીછો કરીને હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ મેચમાં જેમિમા રોડ્રિગ્સ (૧૩૪ બોલમાં અણનમ ૧૨૭) પ્લેયર ઓફ ધ મેચ રહી હતી.
મહિલા વનડે વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સ લગાવનારા ખેલાડીઓની યાદીમાં ભારતની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના (૨૪ મેચમાં ૨૨ સિક્સ) ત્રીજા સ્થાને છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની ઓલરાઉન્ડર ક્લો ટ્રાયોન (૨૬ મેચમાં ૧૭ સિક્સ) તેના પછીના સ્થાને છે.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
