<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

'લોર્ડ' શાર્દુલ નું અસાધારણ પરાક્રમ: પ્રથમ 7 બોલમાં 4 વિકેટ ઝડપી આસામની કમર તોડી, મુંબઈનો 98 રનથી ભવ્ય વિજય!

સરફરાઝ ખાને 47 બોલમાં વિસ્ફોટક સદી ફટકારી 220 રનનો પહાડ બનાવ્યો; મુંબઈના કેપ્ટન શાર્દુલે ઘાતક બોલિંગ કરીને કુલ 5 વિકેટ સાથે જીત પર લગાવી મહોર

નવી દિલ્હી : સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના એલીટ ગ્રુપ A માં મુંબઈના કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે પોતાની ઘાતક બોલિંગથી મેદાન પર તબાહી મચાવી દીધી હતી. આસામ સામેની મેચમાં 'લોર્ડ' શાર્દુલની બોલિંગ એટલી વિસ્ફોટક હતી કે તેણે આસામના બેટ્સમેનોને ક્રીઝ પર ટકવા દીધા નહોતા. શાર્દુલે તેના સ્પેલના પ્રથમ 7 બોલમાં જ 8 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી પાડી, જે મુંબઈની ટીમને મોટી જીત અપાવવામાં નિર્ણાયક સાબિત થઈ.
મુંબઈની ટીમે પ્રથમ બેટિંગ કરતાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા સરફરાઝ ખાને અસાધારણ ફોર્મ દર્શાવતા માત્ર 47 બોલમાં અણનમ 100 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. સરફરાઝને વરિષ્ઠ ખેલાડી અજિંક્ય રહાણે (33 બોલમાં 42 રન) અને સૂર્યકુમાર યાદવ (12 બોલમાં 20 રન)નો સારો સાથ મળ્યો હતો, જેના પરિણામે મુંબઈએ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 220 રનનો જંગી સ્કોર બનાવ્યો.
221 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આસામની ટીમ માટે શરૂઆત જ વિનાશક રહી. શાર્દુલ ઠાકુરની ઘાતક બોલિંગના કારણે આસામે માત્ર ચાર રનના સ્કોર પર પોતાની ત્રણ મુખ્ય વિકેટ ગુમાવી દીધી હતી. આ શરૂઆતી આંચકામાંથી આસામની ટીમ ક્યારેય બહાર આવી શકી નહીં. શાર્દુલે તેનો સ્પેલ પૂરો કર્યો ત્યારે તેના આંકડા 3 ઓવરમાં 23 રન આપીને 5 વિકેટના હતા, જે તેની કારકિર્દીના શ્રેષ્ઠ પ્રદર્શનોમાંનો એક ગણાય.
શાર્દુલ ઉપરાંત, સાઈરાજ પાટિલ (2/12) અને અથર્વ અંકોલેકર (2/17) એ પણ આસામના બેટિંગ ક્રમને ધ્વસ્ત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આસામ માટે માત્ર શિબશંકર રાયે જ 33 બોલમાં 41 રન બનાવીને થોડો સંઘર્ષ કર્યો હતો, પરંતુ બાકીના બેટ્સમેનો નિષ્ફળ રહેતા આખી ટીમ 19.1 ઓવરમાં માત્ર 122 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પરિણામે, મુંબઈએ આ મેચમાં 98 રનથી એકતરફી જીત મેળવી.

 

(8:47 PM IST)