News of Monday, 15th December 2025
કાલે આબુધાબીમાં યોજાશે આઈપીએલનું મીની ઓકશન
૧૦ ફ્રેન્ચાઈઝીઓ પાસે ૭૭ જગ્યા ખાલી, ૩૫૦ ખેલાડીઓની બોલી લગાવાશે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ, ૨૦૨૬ ની ૧૯મી સીઝન માટે મીની-હરાજી ૧૬ ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે. બીસીસીઆઈ એ પહેલાથી જ શોર્ટલિસ્ટ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. બધી ૧૦ ફ્રેન્ચાઇઝીઓ પાસે કુલ ૭૭ ખાલી જગ્યાઓ છે, જે તીવ્ર સ્પર્ધાથી ભરેલી હશે. હરાજીમાં આશરે ૩૫૦ ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે.
આઈપીએલના ઇતિહાસનો સૌથી નાનો ખેલાડી વૈભવ સૂર્યવંશી છે, જેને રાજસ્થાન રોયલ્સ દ્વારા પહેલાથી જ જાળવી રાખવામાં આવ્યો છે. રાજસ્થાને તેને ગયા સીઝનની હરાજીમાં રૂ.૧.૧૦ કરોડમાં ખરીદ્યો હતો, જ્યારે તેની બેઝ પ્રાઈસ માત્ર રૂ.૩૦ લાખ હતી. ક્રિકેટ નિષ્ણાતોના મતે, જો વૈભવ આ વખતે હરાજીમાં ભાગ લીધો હોત, તો તેની કિમત સરળતાથી રૂ.૧૦ કરોડને વટાવી ગઈ હોત.
આ વખતે હરાજીમાં સૌથી નાની ઉંમરનો ખેલાડી વાહિદુલ્લાહ ઝદરાન છે, જે અફઘાનિસ્તાનનો છે. જન્મ તા.૧૫ નવેમ્બર, ૨૦૦૭ ઉંમર (હરાજીના દિવસે) ૧૮ વર્ષ ૩૧ દિવસ, ભૂમિકાઃ અનકેપ્ડ ફાસ્ટ બોલર, બેઝ પ્રાઈસઃ રૂ.૩૦ લાખ વહિદુલ્લાહ ઝદરાન ૨૦૦૭ માં જન્મેલા છ ખેલાડીઓમાંનો એક છે. ૨૦૦૮ કે તે પછી જન્મેલા કોઈપણ ખેલાડીનો આ હરાજીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. તેની ટી૨૦ કારકિર્દીમાં, તેણે ૧૯ ટી૨૦ મેચોમાં ૨૮ વિકેટ લીધી છે અને તેનો ઇકોનોમી રેટ ૬.૭૨ છે.
જ્યારે હરાજીમાં સૌથી મોટી ઉંમરનો ખેલાડી જલાજ સક્સેના જન્મ તારીખઃ ૧૫ ડિસેમ્બર, ૧૯૮૬, ઉંમરઃ ૩૯ વર્ષ (હરાજીના આગલા દિવસે જન્મદિવસ), ટીમઃ મધ્યપ્રદેશ, ભૂમિકાઃ અનકેપ્ડ ઓલરાઉન્ડર, બેઝ પ્રાઈસઃ ૪૦ લાખ રૂપિયા.
જલાજ સક્સેનાએ આઈપીએલ ૨૦૨૧ માં દિલ્હી કેપિટલ્સ માટે ડેબ્યૂ કર્યું હતું, જે તેની અત્યાર સુધીની એકમાત્ર આઈપીએલ મેચ હતી. તે મેચમાં, તેણે ૩ ઓવરમાં ૨૭ રન આપ્યા અને વિકેટ ગુમાવી દીધી.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
