News of Sunday, 21st December 2025
મિશન 2026: ટીમ ઈન્ડિયાનો 'કાયાકલ્પ', વર્લ્ડ કપ જીતનારા 7 ચેમ્પિયન આઉટ; આ છે ભારતની નવી વિનિંગ સ્ક્વોડ
રોહિત-વિરાટના સંન્યાસ બાદ અગરકરનો મોટો નિર્ણય; શુભમન ગિલ અને રિષભ પંત જેવા દિગ્ગજોના પત્તા કપાયા, અભિષેક શર્મા અને હર્ષિત રાણા જેવા યુવા તારલાઓ પર ખેલવામાં આવ્યો મોટો દાવ, અક્ષર પટેલને મળી મોટી જવાબદારી

મુંબઈ : ટી20 વર્લ્ડ કપ 2026 ના કાઉન્ટડાઉન વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ગઇકાલે ૨૦ ડિસેમ્બરના રોજ ૧૫ સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. વર્ષ ૨૦૨૪માં બાર્બાડોસમાં ટ્રોફી જીતનારી ટીમમાં આ વખતે મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. સૌથી વધુ ચર્ચા એ વાતની છે કે ચેમ્પિયન બનેલી છેલ્લી ટીમના ૭ મહત્વના ખેલાડીઓ આ વખતે ઘરઆંગણે રમાનારા વર્લ્ડ કપમાં જોવા નહીં મળે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ તો સંન્યાસ લઈ લીધો છે, પરંતુ શુભમન ગિલ અને રિષભ પંત જેવા સ્થાપિત ખેલાડીઓને પડતા મૂકવા એ અજિત અગરકરની પસંદગી સમિતિનો અત્યાર સુધીનો સૌથી સાહસિક નિર્ણય માનવામાં આવે છે.
આ વખતે ટીમનું સુકાન સૂર્યકુમાર યાદવના હાથમાં રહેશે, જ્યારે ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમનો નવો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માની વિદાય બાદ ઓપનિંગની જવાબદારી વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માને સોંપાઈ છે. તો બીજી તરફ, લાંબા સમયથી ટીમની બહાર રહેલા ઈશાન કિશનની શાનદાર એન્ટ્રી થઈ છે. ઈશાનને તેની ફિટનેસ અને ઘરેલું ક્રિકેટમાં કરેલા શાનદાર પ્રદર્શનનું ફળ મળ્યું છે. રિષભ પંત અને મોહમ્મદ સિરાજ જેવા મોટા નામોની ગેરહાજરી એ સંકેત આપે છે કે મેનેજમેન્ટ હવે ફોર્મ અને કોમ્બિનેશન પર વધુ ભાર મૂકી રહ્યું છે.
નવી ટીમમાં જે ૭ યુવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, તેમાં અભિષેક શર્મા, તિલક વર્મા, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી અને ફાસ્ટ બોલર હર્ષિત રાણાનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓ માટે આ પહેલો ટી20 વર્લ્ડ કપ હશે. ખાસ કરીને વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાની બોલિંગ પર ટીમનો મોટો આધાર રહેશે. જ્યારે હાર્દિક પંડ્યા અને શિવમ દુબે ઓલરાઉન્ડર તરીકે મધ્યમ ક્રમમાં પોતાની તાકાત બતાવશે. પસંદગીકારોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ એક એવા કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરવા માંગે છે જે આધુનિક ટી20 ક્રિકેટના આક્રમક અભિગમને અનુરૂપ હોય.
ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાનાર આ વર્લ્ડ કપમાં ભારત પોતાની ટ્રોફી જાળવી રાખવા માટે પ્રબળ દાવેદાર છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે જણાવ્યું કે શુભમન ગિલને પડતો મૂકવો મુશ્કેલ હતો, પરંતુ ટીમના સંતુલન માટે આ નિર્ણય લેવાયો છે. હવે જોવાનું એ રહેશે કે સૂર્યાની સેના શું ઘરઆંગણે ફરી એકવાર વિશ્વ વિજેતા બનીને ઇતિહાસ રચી શકશે કે કેમ. ચાહકોમાં આ નવી ટીમ પ્રત્યે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, પણ યુવા લોહીમાં રહેલો જોશ ભારતને ફરી ટોચ પર લઈ જઈ શકે છે.
ટી20 વર્લ્ડ કપ 2026 માટે ભારતની સ્ક્વોડ:
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, રિંકુ સિંહ.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
