<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

રાજકોટમાં રાહુલે મચાવ્યું તોફાન: KL રાહુલની શાનદાર સદી અને ગિલની ફિફ્ટી, ભારતે ન્યુઝીલેન્ડ સામે ખડક્યો 284 રનનો પડકાર

સંકટ સમયની સાંકળ બન્યો કેએલ રાહુલ; 92 બોલમાં 112 રનની આતશી ઇનિંગ, રાજકોટની ધીમી પિચ પર કિવી બોલરોની ડેથ ઓવરોમાં ધોલાઈ

રાજકોટ: તા.૧૪: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી બીજી વનડે મેચમાં ભારતીય બેટરોએ કિવી બોલરો સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 284 રન બનાવ્યા છે. આ મેચના અસલી હીરો કેએલ રાહુલ રહ્યા છે, જેમણે મુશ્કેલ સમયે ટીમની કમાન સંભાળીને પોતાની કારકિર્દીની 8મી સદી ફટકારી હતી.
શરૂઆત ધીમી પણ મજબૂત
ભારતીય ઓપનરો રોહિત શર્મા અને શુભમન ગિલે સાવધ શરૂઆત કરી હતી. પિચ ધીમી હોવાને કારણે પ્રથમ 5 ઓવરમાં માત્ર 10 રન જ બન્યા હતા, પરંતુ સેટ થયા પછી બંનેએ ગિયર બદલ્યા હતા. રોહિત શર્મા (24 રન) મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો, પરંતુ શુભમન ગિલે (56 રન) શાનદાર અડધી સદી ફટકારી મજબૂત પાયો નાખ્યો હતો. જોકે, મધ્યક્રમમાં વિરાટ કોહલી (23) અને શ્રેયસ અય્યર (8) સસ્તામાં આઉટ થતા ભારત એક સમયે 118 રને 4 વિકેટ ગુમાવી સંઘર્ષ કરી રહ્યું હતું.
રાહુલ-જાડેજા અને રેડ્ડીનો સપોર્ટ
જ્યારે ટીમ મુસીબતમાં હતી, ત્યારે કેએલ રાહુલે પોતાની ક્લાસ બેટિંગનો નજારો રજૂ કર્યો હતો. તેણે રવીન્દ્ર જાડેજા સાથે મળીને ઇનિંગને સ્થિર કરી અને ત્યારબાદ ડેથ ઓવરોમાં આક્રમક વલણ અપનાવ્યું. રાહુલે માત્ર 92 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 112 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરોમાં નીતિશ કુમાર રેડ્ડી (20 રન) સાથેની ભાગીદારીએ ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. ન્યુઝીલેન્ડ તરફથી ક્રિસ્ટિયન ક્લાર્કે 3 વિકેટ ઝડપી હતી.
રાજકોટનો ઈતિહાસ ભારતની તરફેણમાં?
રાજકોટના મેદાન પર રમાયેલી અગાઉની ચાર વનડે મેચોમાં ક્યારેય કોઈ ટીમ રનનો પીછો કરીને જીતી શકી નથી. આ આંકડા ન્યુઝીલેન્ડ માટે ચિંતાનો વિષય બની શકે છે. પિચ ધીમે ધીમે વધુ સ્લો થઈ રહી છે, જેનો ફાયદો ભારતીય સ્પિનરો કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાને મળી શકે છે.
હવે જોવાનું એ રહેશે કે ભારતીય બોલરો 284 રનનો બચાવ કરીને શ્રેણીમાં લીડ મેળવી શકે છે કે કેમ.

(6:16 PM IST)