તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૪ બુધવાર
News of Thursday, 15th January 2026
ભારત vs પાકિસ્તાનનો જંગ: ટિકિટ લેવા માટે એવી પડાપડી થઈ કે બુકમાયશો નું સર્વર જ ઉડી ગયું!
T20 વર્લ્ડ કપ 2026 ના બીજા રાઉન્ડનું વેચાણ શરૂ થતાની સાથે જ મિનિટોમાં સર્જાયો હંગામો: કોલંબોમાં ખેલાનારા હાઈ-વોલ્ટેજ મુકાબલા માટે લાખો ફેન્સ એકસાથે તૂટી પડ્યા : ઓનલાઈન કતારોએ તોડ્યા તમામ રેકોર્ડ

મુંબઈ: ક્રિકેટના મેદાન પર જ્યારે ભારત અને પાકિસ્તાન આમને-સામને હોય ત્યારે રોમાંચ તેની ચરમસીમાએ હોય છે, પરંતુ આ વખતે મેચ શરૂ થાય તે પહેલા જ ટિકિટ બારી પર મોટો ધડાકો થયો છે. T20 વર્લ્ડ કપ 2026 ના બીજા રાઉન્ડની ટિકિટોનું વેચાણ ગઈકાલે 14 જાન્યુઆરીથી શરૂ થયું હતું, પરંતુ ભારત વિરુદ્ધ પાકિસ્તાનની હાઈ-વોલ્ટેજ મેચ માટે ચાહકોનો ધસારો એટલો અકલ્પનીય હતો કે જાણીતી ટિકિટિંગ સાઈટ BookMyShow નું સર્વર થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ ગયું હતું. હજારો યુઝર્સે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી હતી કે તેઓ કલાકો સુધી વેઈટિંગ લિસ્ટમાં રહ્યા છતાં ટિકિટ બુક કરી શક્યા નહોતા.
આગામી 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાનારી આ બ્લોકબસ્ટર મેચ માટે માત્ર ભારત કે પાકિસ્તાન જ નહીં, પણ સમગ્ર વિશ્વમાંથી ક્રિકેટ પ્રેમીઓ ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉમટી પડ્યા હતા. ટ્રાફિક એટલો પ્રચંડ હતો કે વેબસાઈટ લોડ થવામાં નિષ્ફળ રહી અને સર્વર 'આઉટ ઓફ સર્વિસ' થઈ ગયું. ક્રિકબઝના અહેવાલ મુજબ, એક જ સેકન્ડમાં લાખો હિટ્સ આવવાને કારણે પ્લેટફોર્મ આ બોજ સહન કરી શક્યું નહીં. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ભલે મેચ શ્રીલંકામાં હોય, પણ ભારત-પાક જંગનો ક્રેઝ આજે પણ અજેય છે.
T20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆત 7 ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને યુએસએ વચ્ચેના મુકાબલાથી થશે. બીજી તરફ, પાકિસ્તાન તેની તમામ લીગ મેચો શ્રીલંકાના કોલંબોમાં રમવાનું છે. પાકિસ્તાન 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામે ટકરાશે અને ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ ભારત સામે મેદાનમાં ઉતરશે. ભારત પોતાની છેલ્લી લીગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલેન્ડ્સ સામે રમશે. ટિકિટોની આ પડાપડી જોતા લાગે છે કે ટૂર્નામેન્ટ દરમિયાન સ્ટેડિયમ હાઉસફુલ રહેશે અને સુરક્ષાથી લઈને વ્યવસ્થા સુધીના તમામ મોરચે આયોજકો માટે આ મોટો પડકાર બની રહેશે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
