News of Saturday, 17th January 2026
કાંગારૂઓના ગઢમાં ભારતની 'નારી શક્તિ'નો હુંકાર: શ્રેયંકા પાટિલની ધમાકેદાર વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર!
WPL માં પંજો ઝાટકનાર શ્રેયંકા પાટિલ ફરી ટીમમાં સામેલ, ૬ વર્ષ બાદ ભારતી ફુલમાલીનું કમબેક; હરમનપ્રીત કૌર સંભાળશે ટીમની કમાન - જાણો સંપૂર્ણ શેડ્યૂલ

નવી દિલ્હી: ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયાના પડકારજનક પ્રવાસ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમમાં સૌથી મોટું આકર્ષણ સ્ટાર સ્પિનર શ્રેયંકા પાટિલની વાપસી છે. ૨૦૨૫ના મોટાભાગના સમયમાં ઈજા સામે ઝઝૂમ્યા બાદ શ્રેયંકાએ શાનદાર ફિટનેસ બતાવી છે. નોંધનીય છે કે, ટીમની પસંદગીના માત્ર ૨૪ કલાક પહેલા જ શ્રેયંકાએ WPL માં RCB તરફથી રમતા ૫ વિકેટ ઝડપીને પોતાની ફિટનેસ અને ફોર્મની સાબિતી આપી દીધી હતી.
ભારતી ફુલમાલીનું ૬ વર્ષ બાદ પુનરાગમન
પસંદગીકારોએ આ વખતે આશ્ચર્યજનક નિર્ણય લેતા મધ્યમ ક્રમની વિસ્ફોટક બેટ્સમેન ભારતી ફુલમાલીને ટીમમાં પરત બોલાવી છે. ભારતીએ છેલ્લે ૨૦૧૯માં ભારત માટે ડેબ્યુ કર્યું હતું. WPL માં મુંબઈ ઈન્ડિયન્સ અને RCB સામે અનુક્રમે ૧૯ બોલમાં ૩૬ અને ૨૦ બોલમાં ૩૯ રનની ઝંઝાવાતી ઇનિંગ્સ રમ્યા બાદ તેને ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ પિચો પર રન બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ, હરલીન દેઓલને T20 ટીમમાંથી પડતી મુકવામાં આવી છે.
ODI ટીમમાં પણ મોટા ફેરફારો
વનડે શ્રેણી માટે શેફાલી વર્માએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે ઇજાગ્રસ્ત પ્રતિકા રાવલ અને યાસ્તિકા ભાટિયા હજુ પણ ટીમની બહાર છે. વિકેટકીપર તરીકે રિચા ઘોષની સાથે જી. કમલિનીને પણ તક આપવામાં આવી છે. કાશ્વી ગૌતમને પણ વનડે ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે રાધા યાદવને આ વખતે બહાર રાખવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસનું સમયપત્રક (૨૦૨૬):
- ૧લી T20I: ૧૫ ફેબ્રુઆરી (સિડની)
- ૨જી T20I: ૧૯ ફેબ્રુઆરી (કેનબરા)
- ૩જી T20I: ૨૧ ફેબ્રુઆરી (એડિલેડ)
- ૧લી ODI: ૨૪ ફેબ્રુઆરી (બ્રિસ્બેન)
- ૨જી અને ૩જી ODI: ૨૭ ફેબ્રુઆરી અને ૧ માર્ચ (હોબાર્ટ)
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
