<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

બાબર આઝમના DRS પર પાકિસ્તાની અમ્પાયરની મૂર્ખામી: સોશિયલ મીડિયા પર ઉડી મજાક, કોમેન્ટેટર્સ પણ માથું કૂટી બેઠા!

એડમ ઝામ્પાના બોલ પર બાબર આઝમ ક્લીન આઉટ હોવા છતાં થર્ડ અમ્પાયરની ગૂંચવણભરી ભૂલોએ આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાની અમ્પાયરિંગની પોલ ખોલી નાખી

લાહોર, તા.૩૦: પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચમાં ગૂગલી બોલર એડમ ઝામ્પા કરતાં પણ વધુ ગૂંચવણ થર્ડ અમ્પાયર નાસિર હુસૈને ઊભી કરી હતી. મેચની ૧૪મી ઓવરમાં જ્યારે બાબર આઝમ રિવર્સ સ્વીપ રમવા જતાં પેડ પર બોલ વાગ્યો, ત્યારે આખી દુનિયાએ જોયું કે તે આઉટ હતો. જોકે, ટીવી અમ્પાયરે જે ડ્રામા સર્જ્યો તે જોઈને કોમેન્ટેટર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
બોલ ટ્રેકિંગમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલ ઓફ-સ્ટમ્પની બહાર પિચ થઈને સીધો વિકેટોને અથડાતો હતો. છતાં, થર્ડ અમ્પાયર હુસૈને બાબરના રિવર્સ સ્વીપના વલણને જોઈને તેને ‘પિચિંગ આઉટસાઈડ લેગ’ જાહેર કરી દીધો! હદ તો ત્યારે થઈ જ્યારે સાથી અધિકારીએ તેમને ભૂલ સુધારવા કહ્યું, છતાં તેમણે ગૂંચવણમાં પડીને ઓન-ફિલ્ડ અમ્પાયર અહેસાન રઝાને ‘નોટ આઉટ’ ના મૂળ નિર્ણય પર કાયમ રહેવા કહ્યું. આખરે ઘણી અફરાતફરી બાદ સાચો નિર્ણય લેવાયો, પણ ત્યાં સુધીમાં તો પાકિસ્તાની અમ્પાયરિંગ સિસ્ટમની મજાક બની ચુકી હતી.
મેદાન પરના આ હાસ્યાસ્પદ દ્રશ્યો વચ્ચે બાબર આઝમનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું હતું. તેણે ૨૦ બોલમાં માત્ર ૨૪ રન બનાવ્યા હતા. જોકે, પાકિસ્તાની ચાહકો માટે રાહતના સમાચાર એ રહ્યા કે સૈમ અયુબના શાનદાર ૪૦ રન અને બે વિકેટની મદદથી પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને ૨૨ રનથી હરાવી શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. ભલે મેચ પાકિસ્તાન જીત્યું, પણ સોશિયલ મીડિયા પર ‘અમ્પાયરિંગની આ ભૂલ’ જીત કરતાં વધુ ચર્ચામાં રહી છે.

(3:59 PM IST)