તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Tuesday, 3rd February 2026
WPLમાં આજે 'કરો અથવા મરો'નો જંગ: વડોદરામાં ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે એલિમિનેટર ટક્કર
વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં ખેલાશે હાઈ-વોલ્ટેજ ડ્રામા; જીતનાર ટીમ ગુરુવારે ફાઈનલમાં RCB સામે ટકરાશે

વડોદરા : સંસ્કારી નગરી વડોદરામાં આજે ક્રિકેટ પ્રેમીઓ માટે ઉત્સાહનો માહોલ છે. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની મહત્વપૂર્ણ એલિમિનેટર મેચ આજે સાંજે 07:30 વાગ્યે વડોદરાના કોટંબી સ્થિત BCA સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચમાં યજમાન ગુજરાત જાયન્ટ્સનો મુકાબલો જેમીમાહ રોડ્રિગ્સની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ સામે થશે. બંને ટીમો માટે આ મેચ 'કરો અથવા મરો' સમાન છે, કારણ કે હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જશે.
ફાઈનલની ટિકિટ કોને મળશે?
આજની મેચમાં જે ટીમ વિજયી બનશે તે સીધી ગુરુવારે રમાનારી ફાઈનલમાં પ્રવેશ કરશે. ફાઈનલમાં તેમની ટક્કર સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે થશે. ઉલ્લેખનીય છે કે, RCBની ટીમ લીગ સ્ટેજમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને પહેલાથી જ ફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી ચૂકી છે.
કેવું છે બંને ટીમોનું પ્રદર્શન?
દિલ્હી કેપિટલ્સે રવિવારે રમાયેલી અંતિમ લીગ મેચમાં યુપી વોરિયર્સને પાંચ વિકેટથી હરાવીને શાનદાર ફોર્મ બતાવ્યું છે. બીજી તરફ, ગુજરાત જાયન્ટ્સ પાસે હોમ ગ્રાઉન્ડ અને સ્થાનિક દર્શકોના સમર્થનનો ફાયદો છે. વડોદરાના સ્પિન-ફ્રેન્ડલી ગ્રાઉન્ડ પર બંને ટીમોના બોલરો અને બેટર્સ વચ્ચે જોરદાર સંઘર્ષ જોવા મળી શકે છે.
ક્રિકેટના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે શું ગુજરાતની દીકરીઓ પોતાના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હીને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી શકશે કે કેમ.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
