<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ધોનીનો માસ્ટરસ્ટ્રોક: "શું ઉંમર નડે છે? ના!" – રોહિત અને વિરાટના 2027 વર્લ્ડ કપ રમવા પર આપ્યું મોટું નિવેદન

"ફિટનેસ હોય તો 40ની ઉંમરે પણ રમાય" – અનુભવી ખેલાડીઓના સમર્થનમાં ઉતર્યો 'કેપ્ટન કૂલ'; ટીકાકારોની બોલતી બંધ

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટના સૌથી સફળ સુકાની એમએસ ધોનીએ રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્યને લઈને ચાલી રહેલી તમામ અટકળો પર વિરામ મૂકી દીધું છે. 2027ના વનડે વર્લ્ડ કપમાં આ બંને દિગ્ગજો રમશે કે નહીં તેવા સવાલ પર ધોનીએ સ્પષ્ટ કર્યું છે કે ક્રિકેટમાં 'ઉંમર' એ માત્ર એક આંકડો છે, અસલી માપદંડ તો 'ફિટનેસ' અને 'પ્રદર્શન' છે.
ઉંમર નહીં, ફિટનેસ છે અસલી માપદંડ
એક તાજેતરના કાર્યક્રમમાં ધોનીએ રોહિત અને વિરાટનો બચાવ કરતા કહ્યું કે, "કેમ નહીં? કોઈએ આગામી વર્લ્ડ કપ કેમ ન રમવો જોઈએ? મારા માટે ઉંમર કોઈ માપદંડ નથી. જો તમે 22 વર્ષના હોવ પણ ફિટ ન હોવ, તો પણ તમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકતા નથી." ધોનીના મતે જો ખેલાડી ફિટ છે અને દેશ માટે યોગદાન આપવાની ઈચ્છા ધરાવે છે, તો તેને ઉંમરના કારણે ટીમની બહાર ન રાખવો જોઈએ.
અનુભવનું મૂલ્ય સમજાવ્યું
યુવા ખેલાડીઓના જોશ વચ્ચે અનુભવનું મહત્વ સમજાવતા માહીએ કહ્યું કે, "તમે 20 વર્ષનો અનુભવી ખેલાડી ક્યાંથી લાવશો? અનુભવ મેળવવા માટે વર્ષો સુધી હાઈ-પ્રેશર મેચો રમવી પડે છે. સચિન તેંડુલકર જેવા ખેલાડીઓ વારંવાર પેદા નથી થતા." ધોનીએ સ્પષ્ટ કર્યું કે જો કોઈ ખેલાડી રન બનાવી રહ્યો છે, તો તે ટીમમાં હોવો જ જોઈએ, અને જો તે અનફિટ હોય તો જ તેને બહાર કરી શકાય.
આંકડા પણ આપે છે સાથ
રોહિત અને વિરાટનું વર્તમાન ફોર્મ ધોનીની વાતને સાચી સાબિત કરે છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ વિરાટ કોહલીએ 9 મેચમાં 88ની સરેરાશ થી 616 રન ફટકાર્યા છે, જ્યારે કેપ્ટન રોહિત શર્માએ પણ 51ની સરેરાશ થી 409 રનનું યોગદાન આપ્યું છે.
આગામી જુલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતની વનડે શ્રેણી યોજાવાની છે, ત્યારે ધોનીના આ સમર્થનથી રોહિત અને વિરાટના ચાહકોમાં 2027ના વર્લ્ડ કપ માટે નવી આશા જાગી છે.

(5:56 PM IST)