News of Wednesday, 18th February 2026
ટી૨૦ વર્લ્ડ કપના વિવાદ વચ્ચે ભારતને મોટો ઝટકો ! વર્લ્ડ કપ-ચેમ્પિયન્સ
ટ્રોફીની યજમાની પર ખતરો ભવિષ્યમાં રમાનાર ટુર્નામેન્ટો ભારતની બહાર ટ્રાન્સફર થઇ શકે છે, ઓસ્ટ્રેલીયાનું નામ આગળ

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવનું સૌથી મોટું નુકસાન ભારતીય ક્રિકેટ ચાહકોને થવા જઈ રહ્યું છે. સમાચાર છે કે, ભવિષ્યમાં યોજાનારા આઇસીસી ટૂર્નામેન્ટો ભારતની બહાર ટ્રાન્સફર થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના અખબાર ‘ધ એજ'માં પ્રકાશિત અહેવાલ મુજબ, આઇસીસી ૨૦૨૯ ચેમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૩૧ વનડે વર્લ્ડ કપને ભારતની બહાર ખસેડવા પર વિચાર કરી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન એકબીજાના દેશમાંઁ રમવાનો ઇનકાર કરી રહ્યા હોવાથી ઉભી થતી લોજિસ્ટિક્સ સમસ્યાઓ ટાળવા માટે આ પગલું લેવામાં આવી શકે છે.
‘ધ એજ'માં ૧૬ ફેબ્રુઆરીના રોજ છપાયેલા સમાચાર મુજબ, જો ભારત પાસેથી ૨૦૨૯ની ચેમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૩૧ના વનડે વર્લ્ડ કપની યજમાની જાય છે, તો તેમાં ઓસ્ટ્રેલિયાનું નામ સૌથી આગળ હશે. ઓસ્ટ્રેલિયામાં અગાઉ ૨૦૧૫માં વનડે વર્લ્ડ કપ અને ૨૦૨૨માં ટી-૨૦ વર્લ્ડ કપનું સફળ આયોજન થઈ ચૂકયું છે.
ભારત અને પાકિસ્તાને અગાઉ આઇસીસી સાથે એક સમજૂતી કરી હતી. જેમાં વૈશ્વિક ટૂર્નામેન્ટો દરમિયાન એકબીજાના દેશોમાં ન રમવા પર સહમતિ બની હતી. ભારત દ્વારા ૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યા બાદ આ નિર્ણય લેવાયો હતો. હાલની પરિસ્થિતિ જોતા એવી શકયતા છે કે ૨૦૨૭ સુધીની આ સમજૂતીને ભવિષ્યના ટૂર્નામેન્ટો સુધી પણ લંબાવવામાં આવી શકે છે
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
