News of Wednesday, 18th February 2026
ટીમ ઈન્ડિયાનો એશિયા કપમાં દબદબો: નેપાળને ૭ વિકેટે કચડી ભારત સેમિફાઈનલમાં, તનુજા કંવરની ઘાતક બોલિંગે નેપાળી મહિલા ટીમની કમર તોડી!
રાઈઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં ભારતીય દીકરીઓનો વિજયી હુંકાર: માત્ર ૭.૫ ઓવરમાં લક્ષ્ય હાંસલ કરીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું - વૃંદા દિનેશની તોફાની બેટિંગ.

નવી દિલ્હી : ACC મહિલા એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમે વિજયી અભિયાન જાળવી રાખતા નેપાળ સામે સાત વિકેટથી ભવ્ય જીત મેળવી છે. આ જીત સાથે જ ભારતે ગ્રુપ A માંથી ગૌરવભેર સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય બોલરો અને બેટ્સમેનોના સંયુક્ત પ્રદર્શન સામે નેપાળની ટીમ લાચાર દેખાઈ હતી.
તનુજાની ફિરકીમાં ફસાયું નેપાળ
મેચની શરૂઆતથી જ ભારતીય બોલરોએ નેપાળ પર દબાણ બનાવી રાખ્યું હતું. ખાસ કરીને તનુજા કંવરે પોતાની શાનદાર બોલિંગથી નેપાળી બેટ્સમેનોને ક્રિઝ પર ટકવા દીધા નહોતા. નેપાળની આખી ટીમ ૧૮ ઓવરમાં માત્ર ૭૮ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. તનુજાને તેના શ્રેષ્ઠ બોલિંગ સ્પેલ માટે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવી હતી.
વૃંદા દિનેશનો પાવર શો
૭૯ રનના નાના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ શરૂઆતથી જ આક્રમક મૂડમાં હતી. ઓપનર વૃંદા દિનેશે માત્ર થોડી જ મિનિટોમાં મેચનું પાસું પલટી નાખ્યું હતું. વૃંદાએ અણનમ ૩૯ રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ભારતને માત્ર ૭.૫ ઓવરમાં જ જીત અપાવી દીધી હતી. આ આક્રમક રમતને કારણે ભારતનો રન રેટ પણ ઘણો સુધર્યો છે.
પોઈન્ટ ટેબલમાં ભારત બાદશાહ
ભારતે અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચોમાંથી બેમાં જીત મેળવી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. કુલ ચાર પોઈન્ટ સાથે ભારત અત્યારે ગ્રુપ A માં પ્રથમ ક્રમે છે. હવે સેમિફાઈનલમાં ભારતનો સામનો કઈ ટીમ સામે થશે તેના પર સૌની નજર છે. જે રીતે ભારતીય દીકરીઓ ફોર્મમાં છે, તે જોતા એશિયા કપ જીતવાની પ્રબળ દાવેદાર ગણાઈ રહી છે.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
