<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

ગબ્બરે માંડ્યા બીજીવાર લગ્ન: શિખર ધવન આયરલેન્ડની ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયો

દિલ્હી-NCRમાં પરિવારની હાજરીમાં ધવન અને સોફીના ભવ્ય લગ્ન સંપન્ન: મનીષ મલ્હોત્રાના આઉટફિટ્સમાં સજ્જ નવદંપતી મંડપમાં મન મૂકીને ઝૂમ્યું

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર શિખર ધવને ફરી એકવાર લગ્ન કરી પોતાની જિંદગીની નવી ઇનિંગની શરૂઆત કરી દીધી છે. ધવને તેની આયરલેન્ડની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે ગઈકાલે સાદગી અને ભવ્યતાના સંગમ સમાન સમારોહમાં સાત ફેરા લીધા હતા. દિલ્હી-NCRમાં યોજાયેલા આ લગ્ન પ્રસંગમાં માત્ર નજીકના ફેમિલી મેમ્બર્સ અને ખાસ મિત્રોને જ આમંત્રિત કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર આ કપલની પહેલી ઝલક ભારતીય સ્પિનર અને ધવનના ખાસ મિત્ર યુઝવેન્દ્ર ચહલે શેર કરી હતી, જેમાં બંને અત્યંત ખુશ દેખાઈ રહ્યા હતા.
લગ્ન માટે શિખર અને સોફીએ પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા તૈયાર કરવામાં આવેલા ટ્રેડિશનલ આઉટફિટ્સ પહેર્યા હતા. લગ્નના મંડપમાં જ્યારે બંનેનું આગમન થયું ત્યારે તેઓએ મ્યુઝિકના તાલે મન મૂકીને ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લગ્ન પૂર્વે દિલ્હીમાં જ સંગીત, મેહંદી અને હલ્દી જેવા પારંપરિક સમારોહ યોજાયા હતા, જેમાં ધવનના પંજાબી અંદાજે મહેફિલ લૂંટી લીધી હતી.
શિખર ધવન અને સોફી શાઈન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાઓ હતી, જેનો અંત ગઈકાલે સુખદ લગ્નમાં પરિણમ્યો છે. ચહલે શેર કરેલી તસવીરોમાં ધવન અને સોફીની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ પણ ખુશ છે અને સોશિયલ મીડિયા પર આ નવદંપતીને લાખો શુભેચ્છાઓ મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ધવન તેના અંગત જીવનમાં આવેલા ઉતાર-ચઢાવ બાદ હવે સોફી સાથે એક સ્થિર અને ખુશહાલ જીવન તરફ આગળ વધી રહ્યો છે.

(12:00 PM IST)