<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

શ્રીલંકા T20 વર્લ્ડ કપથી બહાર ફેંકાતા જ જયસૂર્યાએ પદ છોડવાના આપ્યા સંકેત

જો શ્રીલંકા ક્રીકેટને યોગ્‍ય વિકલ્‍પ મળે તો હું જવાબદારી સોંપવા તૈયારીઃ હેડ કોચે આપ્‍યું નિવેદન

કોલંબોઃ ICC T20 વર્લ્ડ કપ 2026માં શ્રીલંકન ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ સનથ જયસૂર્યાએ પોતાના ભવિષ્ય અંગે એક મોટો સંકેત આપ્યો છે. શ્રીલંકાના હેડ કોચ જયસૂર્યાએ સ્પષ્ટ કર્યું છે કે, 'હું હાલમાં પદ નથી છોડી રહ્યો, પરંતુ જો શ્રીલંકા ક્રિકેટ (SLC)ને યોગ્ય વિકલ્પ મળે તો હું જવાબદારી સોંપવા માટે તૈયાર છું.' જયસૂર્યાના નિવેદનથી એ સંકેત મળે છે કે હેડ કોચ તરીકેનો તેમનો કાર્યકાળ હવે નિર્ણાયક મોડ પર પહોંચી ગયો છે.

પાકિસ્તાન સામે 5 રનથી મળેલી નજીકની હાર બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં સનથ જયસૂર્યાએ કહ્યું કે, 'મારા ભવિષ્ય અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો.' તેમનો વર્તમાન કોન્ટ્રાક્ટ જૂન 2026 સુધી છે. હવે શ્રીલંકાની  આ જ મહિને અફઘાનિસ્તાન સામે મર્યાદિત ઓવરની સીરિઝ યોજાવાની છે, તો આવી સ્થિતિમાં બોર્ડ હાલ માટે સ્થિરતા જાળવી રાખવાના પક્ષમાં હોઈ શકે છે.

સનથ જયસૂર્યાએ કહ્યું કે, 'મેં વિચાર્યું હતું કે, હું આ જવાબદારી બીજા કોઈને સોંપી દઉં. ઈંગ્લેન્ડ સીરિઝ દરમિયાન બે મહિના પહેલા પણ મેં કહ્યું હતું કે મારી અહીં લાંબા સમય સુધી રહેવાની યોજના નથી. જે રીતે વર્લ્ડ કપ સમાપ્ત થયો તેનો મને અફસોસ છે. છેલ્લા દોઢ વર્ષમાં અમે અમારા રેન્કિંગમાં સુધારો કર્યો છે અને ટીમને વધુ સારી સ્થિતિમાં પહોંચાડી છે. મારો કોન્ટ્રાક્ટ જૂનમાં સમાપ્ત થઈ રહ્યો છે. મેં હજુ સુધી સત્તાવાર રીતે બોર્ડને મારો નિર્ણય નથી જણાવ્યો.'

2024ના મધ્યમાં કાર્યકારી કોચ તરીકે કાર્યભાર સંભાળનારા સનથ જયસૂર્યાને તે જ વર્ષે કાયમી હેડ કોચ તરીકે નિયુક્ત કરી દેવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન શ્રીલંકાએ અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી. 27 વર્ષ બાદ ભારત સામે પહેલી વાર દ્વિપક્ષીય વનડે સીરિઝ જીતી. ઈંગ્લેન્ડ સામે ઓવલ મેદાન પર યાદગાર ટેસ્ટ જીત હાંસલ કરી. બજી તરફ ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે 2-0 થી ટેસ્ટ સીરિઝ પર કબજો જમાવ્યો.

જોકે, શ્રીલંકાની ટીમ T20 ક્રિકેટમાં સાતત્ય હાંસલ કરવામાં નિષ્ફળ રહી. એશિયા કપ અને પાકિસ્તાનમાં થયેલી ત્રિકોણીય સીરિઝમાં સામાન્ય પ્રદર્શન બાદ વર્લ્ડ કપ માટેની તેમની આશાઓ પર પણ પાણી ફરી વળ્યું. સનથ જયસૂર્યાના કાર્યકાળ દરમિયાન શ્રીલંકાએ 76 મેચ રમી હતી, જેમાંથી 34 મેચ જીતી છે. આ આંકડા પ્રગતિ તરફ ઈશારો કરે છે, પરંતુ T20 ક્રિકેટમાં વારંવાર નિષ્ફળતાઓએ તેમના ભવિષ્ય પર સવાલો ઉભા કર્યા છે.

(1:57 PM IST)