News of Sunday, 8th March 2026
અમદાવાદના રણમેદાનમાં ભારતનો ‘અગ્નિપરીક્ષા’નો જંગ: T20 ફાઈનલમાં ટ્રોફી જીતવા માટે તોડવા પડશે 3 ભયાનક ઈતિહાસ
શું સૂર્યાની સેના રવિવારના શાપને ભૂંસીને ન્યુઝીલેન્ડ સામે રચશે નવો ઇતિહાસ? અમદાવાદમાં પ્રથમ ICC ટાઈટલ જીતવાનો પડકાર, જાણો ભારતની જીતની રાહમાં રહેલા મુખ્ય અવરોધો

અમદાવાદ:આજે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે ભારત અને ન્યુઝીલેન્ડ T20 વર્લ્ડ કપ 2026 ના ટાઈટલ માટે આમને-સામને થશે, ત્યારે સ્ટેડિયમની પીચ કરતાં પણ વધુ ભારતીય ટીમ પર ઈતિહાસના દબાણનો સાયો હશે. ટીમ ઈન્ડિયા સામે સૌથી મોટો પડકાર 'અમદાવાદનો શાપ' તોડવાનો છે. આ મેદાન પર ભારત છેલ્લા કેટલાક સમયમાં મોટી મેચોમાં વારંવાર પછડાયું છે, જેમાં 2023 ના ODI વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર સૌથી વધુ પીડાદાયક હતી. આંકડાકીય રીતે જોઈએ તો, ટીમ ઈન્ડિયા અહીં અનેક દ્વિપક્ષીય શ્રેણીઓ જીત્યું છે, પરંતુ જ્યારે પણ મોટી ICC ટૂર્નામેન્ટની ફાઈનલ જેવી મહત્ત્વની મેચો આવી છે, ત્યારે ભારત અહીં જીત મેળવવામાં વામણું પુરવાર થયું છે.
બીજો સૌથી મોટો પડકાર ન્યુઝીલેન્ડ સામેનો અત્યાર સુધીનો ખરાબ રેકોર્ડ છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અત્યાર સુધી ક્યારેય ન્યુઝીલેન્ડને હરાવી શક્યું નથી. 2007, 2016 અને 2021 ના વર્લ્ડ કપમાં કિવી ટીમે ભારતને સતત હાર આપી છે. ન્યુઝીલેન્ડ હંમેશા આઈસીસી ટૂર્નામેન્ટ્સમાં ભારત માટે 'વિલન' સાબિત થયું છે, તેથી આજે માત્ર રમત જ નહીં, પણ એક માનસિક અવરોધને પણ દૂર કરવો પડશે. આ આંકડા ભારત માટે ચિંતાનો વિષય છે, કારણ કે ન્યુઝીલેન્ડના ખેલાડીઓ ભારતની નબળાઈઓને સારી રીતે જાણે છે અને તે મુજબ જ પોતાની રણનીતિ ઘડવામાં માહેર છે.
ત્રીજો અને સૌથી રસપ્રદ પડકાર 'રવિવાર' નો છે. આંકડાશાસ્ત્ર મુજબ, ભારતીય ટીમ માટે રવિવારે રમાતી ICC ફાઈનલ અને નોકઆઉટ મેચો કમનસીબ રહી છે. ભૂતકાળમાં રમાયેલી ફાઈનલ્સમાં રવિવારે ભારતને મોટાભાગે નિરાશા જ સાંપડી છે, જ્યારે શનિવારે રમાયેલી ફાઈનલ્સમાં ભારતે ટાઈટલ જીત્યા છે. જોકે, 2025 ની ચેમ્પિયન્સ ટ્રોફીની રવિવારની ફાઈનલ જીતીને ભારતે આ સિલસિલો તોડ્યો છે, પરંતુ આજના દિવસે સૂર્યકુમાર યાદવની બ્રિગેડ માટે આ ત્રણ પડકારોનો સામનો કરવો એ અગ્નિપરીક્ષા સમાન છે. શું ટીમ ઈન્ડિયા આ તમામ ઈતિહાસના પાના પલટીને નવો ઈતિહાસ લખી શકશે? સમગ્ર દેશની નજર હવે અમદાવાદના આ મેદાન પર ટકેલી છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
