News of Sunday, 15th March 2026
ક્રિકેટના મહાકુંભ ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનનો શંખનાદ : જાણો કોના કોના હાથમાં હશે ટીમનું સુકાન
ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા તમામ ટીમોએ પોતાના સુકાનીઓના નામ જાહેર કરી દીધા :કેટલાક જૂના જોગીઓ તો કેટલાક નવા ચહેરાઓને મોટી જવાબદારી સોંપાઈ

મુંબઈ :ક્રિકેટના મહાકુંભ ગણાતા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સીઝનનો શંખનાદ થવા જઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા IPL 2026 ના પ્રથમ ફેઝના શિડ્યુલની જાહેરાત કરી દેવામાં આવી છે. 28 માર્ચથી શરૂ થનારા આ રોમાંચક ટૂર્નામેન્ટમાં આ વખતે પણ 10 ટીમો ટ્રોફી માટે મેદાનમાં ઉતરશે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા તમામ ટીમોએ પોતાના સુકાનીઓના નામ જાહેર કરી દીધા છે, જેમાં કેટલાક જૂના જોગીઓ છે તો કેટલાક નવા ચહેરાઓને મોટી જવાબદારી સોંપાઈ છે.
IPLની સૌથી સફળ ટીમોમાંની એક મુંબઈ ઈન્ડિયન્સની કમાન આ વખતે પણ હાર્દિક પંડ્યાના હાથમાં રહેશે. હાર્દિક છેલ્લા બે વર્ષથી મુંબઈનું નેતૃત્વ કરી રહ્યો છે. બીજી તરફ, 5 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો, ફેન્સના ફેવરિટ એમ.એસ. ધોની નહીં પરંતુ રુતુરાજ ગાયકવાડ ટીમનું સુકાન સંભાળશે. ટૂર્નામેન્ટની ત્રીજી સફળ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ અજિંક્ય રહાણે પર ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
પ્રથમ સીઝનની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ આ વખતે રિયાન પરાગના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. પરાગે ગત સીઝનમાં સંજૂ સેમસન સાથે મળીને કેટલીક મેચોમાં કેપ્ટનશીપ કરી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ ફરી એકવાર પેટ કમિન્સના ભરોસે છે, જ્યારે ગુજરાત ટાઈટન્સની કમાન શુભમન ગિલ પાસે સુરક્ષિત છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના ફેન્સ માટે ખુશીના સમાચાર છે કે રજત પાટીદાર, જેમણે ટીમને પ્રથમવાર ચેમ્પિયન બનાવી હતી, તેઓ જ ટીમનું નેતૃત્વ ચાલુ રાખશે.
ગત વર્ષની ફાઇનલિસ્ટ પંજાબ કિંગ્સ શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં પોતાની પ્રથમ ટ્રોફી જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે. દિલ્હી કેપિટલ્સની જવાબદારી અક્ષર પટેલને સોંપવામાં આવી છે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સની કમાન આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતના હાથમાં રહેશે, જેમને ટીમે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
