News of Wednesday, 10th June 2026
ટેસ્ટ ડેબ્યુમાં ધમાકો કર્યા બાદ ભારતના સ્ટાર સ્પિનર માનવ સુથારની ઇંગ્લેન્ડમાં એન્ટ્રી: વોરવિકશાયરે કાઉન્ટી ક્રિકેટ માટે કર્યો મોટો કરાર!
અફઘાનિસ્તાન સામે 7 વિકેટ ઝડપી સનસનાટી મચાવનાર રાજસ્થાનના યુવા બોલર પર વિદેશી ક્લબ ફિદા, આગામી બે મહત્વની મેચોમાં ઇંગ્લેન્ડની ધરતી પર મચાવશે ધૂમ.

બર્મિંગહામ : ભારતીય ક્રિકેટ જગતમાં હાલ જે યુવા ખેલાડીના નામનો ડંકો વાગી રહ્યો છે, તેવા ડાબોડી સ્પિનર માનવ સુથારે વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. તાજેતરમાં જ ભારતીય ટેસ્ટ ટીમમાં શાનદાર ડેબ્યુ કરનાર માનવ સુથારને ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત કાઉન્ટી ક્રિકેટ ક્લબ 'વોરવિકશાયર' (Warwickshire) દ્વારા ચાલુ સીઝનના આગામી બે મહત્વના રાઉન્ડ માટે સાઇન કરવામાં આવ્યો છે. આ કરાર સાથે જ માનવ સુથાર હવે ઇંગ્લેન્ડની ધરતી પર પોતાની સ્પિન બોલિંગનો જાદુ બતાવવા માટે સજ્જ છે.
કઈ મેચોમાં રમતા જોવા મળશે માનવ?
વોરવિકશાયર ક્લબ સાથે થયેલા કરાર મુજબ, માનવ સુથાર 12 જૂનથી સ્કારબોરોમાં યોર્કશાયર સામે રમાનારી મેચમાં વોરવિકશાયર તરફથી મેદાનમાં ઉતરશે. ત્યારબાદ, તેના પછીના અઠવાડિયામાં ટોન્ટન ખાતે સમરસેટ સામે રમાનારી હાઈ-વોલ્ટેજ મેચમાં પણ તે ટીમની પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનશે. આ બે મેચો યુવા સ્પિનર માટે ઇંગ્લિશ કન્ડિશન્સમાં ઘણો મોટો અનુભવ સાબિત થશે.
ડેબ્યુ ટેસ્ટમાં જ રચ્યો હતો ઇતિહાસ
માનવ સુથારે થોડા દિવસો પહેલા જ મુલ્લાનપુરમાં અફઘાનિસ્તાન સામે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારત માટે પોતાનું આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યું હતું. તેણે પોતાની પ્રથમ ઓવરમાં જ વિકેટ ઝડપીને વિરોધી ટીમની કમર તોડી નાખી હતી. આ મેચની એક ઇનિંગમાં 6 વિકેટ અને સમગ્ર મેચમાં કુલ 7 વિકેટ ઝડપીને તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઘરેલું ક્રિકેટમાં રાજસ્થાન તરફથી રમતા માનવે 29 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 129 વિકેટ ઝડપીને સિલેક્ટર્સનું ધ્યાન ખેંચ્યું હતું.
વોરવિકશાયરના ડાયરેક્ટરે શું કહ્યું?
માનવ સુથારના ટીમમાં જોડાવા અંગે વોરવિકશાયરના પર્ફોર્મન્સ ડિરેક્ટર જેમ્સ થોમસે ભારે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું કે, "ખરેખર રોમાંચક સમયે માનવનું અમારી ટીમમાં સ્વાગત કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે. આ સીઝનમાં અમે પહેલેથી જ શાનદાર રેડ-બોલ ક્રિકેટ રમી રહ્યા છીએ, અને માનવના આવવાથી અમારા બોલિંગ આક્રમણમાં એક નવું પાસું અને મજબૂતાઈ ઉમેરાશે. ભારતીય ટેસ્ટ ટીમમાં તેની પસંદગી જ દર્શાવે છે કે તે કેટલો ઉચ્ચ કક્ષાનો ખેલાડી છે."
વિદેશી ધરતી પર રમવા માટે ઉત્સુક છે માનવ સુથાર
આ મોટી તક મળવા પર ભારતના આ યુવા સ્ટારે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, "આગામી બે કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચો માટે વોરવિકશાયર સાથે જોડાવા બદલ હું ખૂબ જ રોમાંચિત છું. આ સીઝનની શરૂઆત ટીમે ખૂબ જ ધમાકેદાર કરી છે, અને મને આશા છે કે હું મારી બોલિંગથી ટીમને ટાઇટલ જીતવા તરફ આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકીશ."
તમને જણાવી દઈએ કે, વોરવિકશાયરની ટીમ હાલમાં કાઉન્ટી ક્રિકેટના ડિવિઝન વન પોઈન્ટ ટેબલ પર છ મેચમાં બે જીત અને બે ડ્રો સાથે ચોથા સ્થાને છે. હવે જોવાનું એ રહેશે કે માનવ સુથાર ઇંગ્લેન્ડની પિચો પર અંગ્રેજ બેટ્સમેનોને પોતાની ફિરકી પર કેવી રીતે નચાવે છે!
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
