News of Thursday, 11th June 2026
ફિફા વર્લ્ડ કપનો સુવર્ણ ઇતિહાસ : ૧૯૫૦ની એ એક ભૂલ અને બદલાઈ ગયું ભારતીય ફૂટબોલનું નસીબ
વિશ્વયુદ્ધના વિધ્નો છતાં ફૂટબોલે જગતને ઘેલું લગાડયું : જાણો ભારત ક્વોલિફાય થવા છતાં શા માટે કયારેય વર્લ્ડ કપના મેદાન પર ન ઉતરી શકયું?

નવી દિલ્હી : આજથી અમેરિકા, કેનેડા અને મેક્સિકોના સંયુક્ત યજમાનપદે વિશ્વના સૌથી મોટા રમત ઉત્સવ ‘ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬'નો પ્રારંભ થઈ રહ્યો છે. ફૂટબોલના આ રોમાંચ વચ્ચે દરેક ભારતીય ચાહકના મનમાં એક સવાલ હંમેશા થાય છે કેラ‘‘શું ભારત કયારેય ફિફા વર્લ્ડ કપમાં સામેલ થયું છે?'' આ સવાલનો જવાબ જેટલો રસપ્રદ છે, તેટલો જ ભાવુક પણ છે. ભારત એકવાર વર્લ્ડ કપ માટે સત્તાવાર રીતે ક્વોલિફાય થયું હતું, પરંતુ કમનસીબે કયારેય મેદાન પર રમી શકયું નહીં.
૧૯૩૦થી શરૂ થયેલો ફૂટબોલનો વૈશ્વિક રોમાંચ
ફિફા વર્લ્ડ કપની શરૂઆત વર્ષ ૧૯૩૦ માં ઉરુગ્વેથી થઈ હતી. ત્યારબાદ દર ચાર વર્ષે રમાતી આ ટૂર્નામેન્ટ માત્ર બે વાર ખોરવાઈ હતી. માનવ ઇતિહાસના કાળા પ્રકરણ એવા દ્વિતીય વિશ્વયુદ્ધ (સેકન્ડ વર્લ્ડ વોર)ના કારણે વર્ષ ૧૯૪૨ અને ૧૯૪૬માં વર્લ્ડ કપ યોજી શકાયો ન હતો. અત્યાર સુધીના ઇતિહાસમાં વિશ્વના આશરે ૮૦ દેશો આ પ્રતિષ્ઠિત મંચ પર રમી ચૂકયા છે. જેમાં બ્રાઝિલે સૌથી વધુ ૫ાંચ વખત ટ્રોફી જીતીને પોતાનું આધિપત્ય જાળવી રાખ્યું છે.
૧૯૫૦નો એ ઐતિહાસિક મોકો : ભારત જ્યારે વર્લ્ડ કપની નજીક હતું
ઇતિહાસના પાના ઉથલાવીએ તો જાણવા મળે છે કે, વર્ષ ૧૯૫૦માં બ્રાઝિલમાં યોજાયેલા ફિફા વર્લ્ડ કપ માટે ભારતીય ફૂટબોલ ટીમ સત્તાવાર રીતે ક્વોલિફાય થઈ ગઈ હતી! એ સમયે એશિયન ક્વોલિફાઇંગ ગ્રૂપમાંથી ઇન્ડોનેશિયા, મ્યાનમાર (બર્મા) અને ફિલિપાઇન્સે નાણાકીય અને વહીવટી કારણોસર પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. જેના પરિણામે ભારત એક પણ મેચ રમ્યા વિના સીધું જ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગયું હતું. ફિફા દ્વારા પાડેલા સત્તાવાર ડ્રો માં ભારતને સ્વીડન, ઇટાલી અને પેરાગ્વેની સાથે ‘ગ્રુપ-૩'માં સ્થાન પણ આપવામાં આવ્યું હતું.
તો પછી ભારત શા માટે ન રમ્યું ?
વર્ષોથી એક એવી લોકવાયકા અથવા અફવા ચાલી આવે છે કે, ભારતીય ખેલાડીઓ પાસે બૂટ નહોતા અને તેઓ ઉઘાડા પગે રમવા માંગતા હતા, જેને ફિફાએ મંજૂરી ન આપતા ભારતે નામ પાછું ખેંચ્યું. પરંતુ, આ વાત તદ્દન સાચી નથી.
વાસ્તવિક કારણો ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ના વહીવટી નિર્ણયો હતા.
(૧) ઓલિમ્પિક્સને વધુ મહત્વ : એ જમાનામાં ભારતીય ફૂટબોલ સંઘ વર્લ્ડ કપ કરતાં ઓલિમ્પિક ગેમ્સને વધુ પ્રતિષ્ઠિત માનતો હતો. (૨) પ્રેક્ટિસ અને પ્રવાસનો અભાવ : ફેડરેશને જણાવ્યું હતું કે ટીમની પસંદગીમાં મતભેદો અને પૂરતો પ્રેક્ટિસ ટાઈમ ન મળવાને કારણે ટીમ બ્રાઝિલ જઈ શકશે નહીં. (૩) લાંબો પ્રવાસ : એ સમયે બ્રાઝિલ જવા માટે દરિયાઈ માર્ગે લાંબી સફર ખેડવી પડે તેમ હતી. જેના માટે મેનેજમેન્ટ તૈયાર ન થયું. ભલે યજમાન દેશ બ્રાઝિલે ભારતના પ્રવાસનો ખર્ચ ઉઠાવવાની ઓફર કરી હતી, છતાં ભારતે છેલ્લી ઘડીએ આ ટૂર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લીધું.
એક ભૂલ અને બદલાઈ ગયો ઇતિહાસ
૧૯૫૦નો એ સમય ભારતીય ફૂટબોલનો ‘સુવર્ણ યુગ' ગણાતો હતો. ભારતે ૧૯૫૧ અને ૧૯૬૨ ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. રમત જગતના નિષ્ણાતોનું માનવું છે કે, જો ભારતે ૧૯૫૦માં ફિફા વર્લ્ડ કપમાં ભાગ લીધો હોત, તો વૈશ્વિક સ્તરે ભારતીય ફૂટબોલનો નકશો અને લોકપ્રિયતા આજે કંઈક અલગ જ હોત. એ ઐતિહાસિક ભૂલ પછી, ભારત ફરી કયારેય ફિફા વર્લ્ડ કપના મુખ્ય રાઉન્ડ માટે ક્વોલિફાય કરી શકયું નથી. આજે ભલે ભારતીય ટીમ વર્લ્ડ કપની રેસમાં સીધી સામેલ નથી, પણ કરોડો ભારતીય ચાહકોના દિલમાં ફૂટબોલ પ્રત્યેનો ઉત્સાહ આજે પણ અકબંધ છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
