News of Friday, 7th August 2026
એશિયન એરોબિક જિમ્નેસ્ટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય રમતગમતનો નવો સ્વર્ણિમ અધ્યાય: મણિપુરની અરિહા પંગમ્બમે ગોલ્ડ મેડલ જીતીને રચ્યો અભૂતપૂર્વ ઈતિહાસ
૧૯.૧૦૦ ના શાનદાર સ્કોર સાથે મહિલા વ્યક્તિગત શ્રેણીમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય જિમ્નાસ્ટ બની: ભૂતકાળની નિષ્ફળતાઓને માત આપીને વૈશ્વિક મંચ પર લહેરાવ્યો ત્રિરંગો

નવી દિલ્હી : ભારતીય રમતગમતના ઈતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. મણિપુરની ૨૨ વર્ષીય પ્રતિભાશાળી જિમ્નાસ્ટ અરિહા પંગમ્બમે એશિયન એરોબિક જિમ્નેસ્ટિક્સ ચેમ્પિયનશિપની સિનિયર મહિલા વ્યક્તિગત ઇવેન્ટમાં સત્તાવાર રીતે ગોલ્ડ મેડલ જીતીને નવો ઈતિહાસ રચી દીધો છે. આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ મેડલ હાસલ કરનારી તે દેશની સૌપ્રથમ જિમ્નાસ્ટ બની ગઈ છે. અરિહાની આ સિદ્ધિએ ભારતીય જિમ્નેસ્ટિક્સ ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ અપાવી છે.
સ્પર્ધાના અંતિમ રાઉન્ડમાં અરિહાએ પોતાના ઉત્કૃષ્ટ સંતુલન, ચપળતા અને કલાત્મકતાથી નિર્ણાયકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેણે ૧૯.૧૦૦ નો સર્વશ્રેષ્ઠ સ્કોર નોંધાવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેમાં તેણે આર્ટિસ્ટ્રી માટે ૮.૬૫૦, એક્ઝીક્યુશન માટે ૭.૬૦૦ અને ડિફિકલ્ટી માટે ૨.૮૫૦ નો સ્કોર મેળવ્યો હતો. વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૪ ની એશિયન ચેમ્પિયનશિપમાં ખૂબ જ ઓછા તફાવતથી મેડલ ચૂકીને ચોથા ક્રમે રહ્યા બાદ પણ તેણે હિંમત હારી ન હતી અને સતત પરિશ્રમ દ્વારા રાષ્ટ્રીય રમતોથી લઈને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પોતાના વિજયનો ઝંડો લહેરાવ્યો હતો.
આ અભૂતપૂર્વ સફળતા બાદ પોતાના અનુભવો શેર કરતા અરિહાએ જણાવ્યું કે, જિમ્નેસ્ટિક્સ માત્ર એક રમત નથી પરંતુ તેના જીવનની ભાષા બની ગઈ છે. તેણે પોતાની આ જીતનો શ્રેય પોતાના કોચ યુમનમ રંજન સિંહને આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે અરિહા માત્ર એક શ્રેષ્ઠ એથ્લેટ જ નથી પરંતુ રમતગમત વ્યવસ્થાપન ક્ષેત્રે પણ સક્રિય છે; તે હાલમાં AISTS ઇન્ડિયામાંથી 'સ્પોર્ટ્સ લીડરશીપ' નો અભ્યાસ કરી રહી છે. જિમ્નેસ્ટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (GFI) ના પ્રમુખ સુધીર મિત્તલ સહિત સમગ્ર દેશના રમતગમત જગતે અરિહાની આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
