<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ભારતના ઓલિમ્પિક ૨૦૩૬ સ્વપ્નને નવો વેગ: તિરુવનંતપુરમના ઐતિહાસિક જી.વી. રાજા સ્ટેડિયમનો રૂ. ૧૦૦ કરોડના ખર્ચે થશે કાયાકલ્પ!

આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ હબ બનાવવા કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીની વિશેષ પહેલ; કેરળ યુનિવર્સિટી ટૂંક સમયમાં તૈયાર કરશે માસ્ટર પ્લાન

તિરુવનંતપુરમ: તા.૧૧ — ભારતના ૨૦૩૬ સમર ઓલિમ્પિક્સના આયોજનના ભવ્ય દાવેદારીની પૃષ્ઠભૂમિ વચ્ચે કેરળની રાજધાની તિરુવનંતપુરમથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહી આવેલા ઐતિહાસિક જી.વી. રાજા સ્ટેડિયમને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર સજ્જ કરવા અને તેને ઓલિમ્પિક ઇવેન્ટ્સ માટે યોગ્ય બનાવવા માટે રૂ. ૧૦૦ કરોડના ભવ્ય રીનોવેશન પ્રોજેક્ટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય પર્યટન રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ કેરળ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને આ દિશામાં સક્રિય પહેલ કરી છે.

 

માસ્ટર પ્લાન તૈયાર કરશે કેરળ યુનિવર્સિટી

સુરેશ ગોપીએ કેરળ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. મોહનન કુન્નુમલ અને સિન્ડિકેટ ફાઇનાન્સ મેમ્બર આર.એસ. શશીકુમાર સાથે સ્ટેડિયમની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. શશીકુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સ્ટેડિયમના નવીનીકરણ માટે રૂ. ૧૦૦ કરોડની ફાળવણી કરવા તૈયાર છે. આ સ્ટેડિયમ કેરળ યુનિવર્સિટીની માલિકી હેઠળ આવતું હોવાથી યુનિવર્સિટી દ્વારા ટૂંક સમયમાં જ એક વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) અને માસ્ટર પ્લાન તૈયાર કરીને પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે.

 

૨૦૩૬ ઓલિમ્પિક બિડ અને સ્ટેડિયમનું મહત્વ

ભારતે ૨૦૩૬ ની ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે ઔપચારિક રીતે પોતાનો ઇરાદાપત્ર (Letter of Intent) રજૂ કરી દીધો છે, જેમાં મુખ્ય યજમાન શહેર તરીકે અમદાવાદ પ્રસ્તાવિત છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) દ્વારા ૨૦૨૯ ના મધ્ય સુધીમાં આખરી નિર્ણય લેવાય તે પહેલાં દેશમાં વૈશ્વિક કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટ મેચોનું આયોજન કરી ચૂકેલું આ સ્ટેડિયમ હવે તિરુવનંતપુરમને એથ્લેટિક્સનું વૈશ્વિક સેન્ટર બનાવવાની ક્ષમતા ધરાવે છે.

 

૯ દાયકા જૂનો ભવ્ય ઇતિહાસ

ઈ.સ. ૧૯૩૭ માં ત્રાવણકોર યુનિવર્સિટીના ભાગ રૂપે સ્થપાયેલું આ સ્ટેડિયમ ટૂંક સમયમાં પોતાના અસ્તિત્વના ૯૦ વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે. આ સ્ટેડિયમનું નામ કેરળના રમતગમત ક્ષેત્રના પિતામહ ગણાતા અને ત્રાવણકોર રાજવી પરિવારના સભ્ય કર્નલ ગોદાવર્મા રાજાના નામ પરથી રાખવામાં આવ્યું છે. લાંબા સમયની ઉપેક્ષા બાદ હવે રૂ. ૧૦૦ કરોડના નવનિર્માણથી સ્ટેડિયમના ક્ષતિગ્રસ્ત સિન્થેટિક ટ્રેક અને અન્ય સુવિધાઓને વિશ્વસ્તરીય સ્વરૂપ આપવામાં આવશે.

(5:25 PM IST)